Columns

શરીરનો મોહ ત્યજો

પરીક્ષિત રાજાને શ્રાપને કારણે તક્ષક નાગ કરડવા આવવાનો હતો. તેના એક દિવસ પહેલા શુકદેવજી જોયું કે પરીક્ષિતરાજાના મનમાંથી મૃત્યુનો ડર હજી દૂર થયો નથી એટલે તેમણે કહ્યું, ‘રાજન આજે તમને એક વાર્તા સંભળાવું છું.’ એક રાજા જંગલમાં શિકારની પાછળ દોડતા દોડતા માર્ગ ભૂલી ગયો. જંગલમાં રખડતા રખડતા રાત પડી ગઈ,અંધારું થયું,ભયાનક જંગલ વધુ ભયાનક લાગવા લાગ્યું. ડરેલા રાજાએ થોડી દૂર એક નાનકડો દીપક જોયો. ત્યાં એક ગંદી નાનકડી તૂટીફૂટેલી ઝૂંપડી હતી જેમાં એક વૃદ્ધ શિકારી પથારીવશ હતો. તેની ઝૂંપડીમાં ચારેબાજુ માંસ અને લોહી ફેલાયેલું હતું. એક ખૂણામાં મળમૂત્રના ઢગલા હતા.

રાજાએ આ ગંદી દુર્ગંધ મારતી ઝૂંપડીમાં આશરો લેવાનો વિચાર કર્યો. તેણે શિકારીને વિનંતી કરી, ‘મને એક દિવસ અહીં રહેવા દો. હું કાલે સવારે જતો રહીશ શિકારીએ કહ્યું, ‘ના મારી ઝૂંપડી જે આવે છે તેમને આ દુર્ગંધયુક્ત ગંદુ વાતાવરણ શું આકર્ષી લે છે કે બીજે દિવસે જવાનું નામ જ લેતા નથી અને ઝઘડા થાય છે એટલે હું તમને નહીં રહેવા દઉ.’ રાજાએ ખૂબ વિનંતી કરી પછી શિકારીએ હા પાડી. રાજા દુર્ગંધવાળી ઝૂંપડીના ખૂણામાં તૂટ્યું વાળીને સુઈ ગયો. સવાર પડી અને રાજાને પણ આ દુર્ગંધ ગમવા લાગી. તેણે શિકારીને કહ્યું, ‘હું રાજા છું.

તારે મારો હુકમ માનવો જ પડશે, હવે હું આ ઝૂંપડી છોડીને જવાનો નથી હું અહીં જ રહીશ.’ શિકારીએ કહ્યું, ‘મને આ ઝઘડો જોઈતો જ નથી તમે અહીંથી ચાલ્યા જાઓ પણ રાજા જવા માટે તૈયાર થયો નહીં.’ આટલી વાર્તા કહીને સુખદેવજીએ પરીક્ષિત રાજાને પૂછ્યું, ‘શું તમને લાગે છે કે આ રાજાએ ઉચિત કર્યું’ પરીક્ષિત રાજા બોલ્યા, ‘ના આ રાજા તો મારી દ્રષ્ટિએ સાવ મૂર્ખ છે. પોતાનું રાજપાઠ, પોતાના જીવનનો ઉદ્દેશ, પોતાની પ્રજા બધું જ ભૂલીને તે એક ગંધાતી ઝૂંપડીમાં રહેવા માટે તૈયાર થઈ ગયો આ તો તેની બહુ મોટી ભૂલ છે કોણ છે આવો મૂર્ખ રાજા…’

શુકદેવજી હસ્યા અને બોલ્યા, ‘એ મૂર્ખ રાજા… રાજન પરીક્ષિત તમે જ છો! પરીક્ષિત રાજાને બહુ જ નવાઈ લાગી તેણે કહ્યું, ‘કેમ આમ કહો છો? શુકદેવજીએ કહ્યું, ‘રાજન, આ શરીરએ મળ મૂત્રથી ભરેલી ગંધાતી ઝૂંપડી જ છે અને જીવાત્મા એક રાજા છે જ્યારે ત્યાં ઝૂંપડીમાં રહેવા આવે છે પછી તેને આ શરીર છોડવું ગમતું નથી. તમારું મૃત્યુ નજીક છે કાલે જ છે છતાં તમે હજી મૃત્યુ માટે તૈયાર નથી એટલે મારે તમને આ વાર્તા કહેવી પડી? મૂર્ખતા ત્યજો શરીરનો મોહ ત્યજો જીવનનો મોહ જજો અને મૃત્યુને સ્વીકાર કરી લો.’ શુકદેવજીની વાર્તાએ પરીક્ષિત રાજાની આંખો ખોલી નાખી અને પરીક્ષિત રાજા હવે પોતાના આત્માનાં કલ્યાણ માટે શરીરનો મોહ છોડીને મૃત્યુનો સ્વીકાર કરવા માટે તૈયાર થઈ ગયા.

Most Popular

To Top