કુદરતી પીણું એવો શેરડીનો રસ એન્ટી ઓક્સિડન્ટોથી ભરેલો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરમાં પ્રોટીન સ્તરને વધારે છે. તેમાં વિટામિન બી-૧, બી-૨, બી-૬ અને સી સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ આયર્ન અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સ હોવાથી શરીરના હાઇડ્રેશન માટે ઉત્તમ છે. ગરમીની ઋતુમાં આ રસ ખૂબ જ ગુણકારી છે. ચેપ સામે લડવા, પ્રતીરક્ષા વધારવામાં મદદ કરનાર શેરડીનો રસ શરીરને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તો ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત સ્તન અને પ્રોસ્ટેટ જેવા કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. ફલૂથી રાહત આપે છે તો કમળાના રોગને પણ મટાડે છે. તે આપણે જાણીએ છીએ.
ઉનાળાની શરૂઆતથી જ શેરડીના કોલા નાના ગામડા ગામમાંથી શહેરોમાં શરૂ થઇ જતા હોય છે. આવું એક કોલુ ચલાવી આત્મનિર્ભર થયેલા માંડવી તાલુકાના યુવાનની પરિશ્રમ ગાથા કંઈક આવી છે.
પિંકલ ચૌધરી. માંડવી તાલુકાના રતનીયા ગામના પિંકલ ભાઈ, શેરડીનો મધુર રસ વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. માંડવીના કીમ-માંડવી રસ્તા ઉપર તેમનો શેરડીના રસનો ચીંચોડો છે. જ્યાં રસ્તે જતા-આવતા રાહદારીઓને શેરડીનો રસ પીવડાવી તેમના તન-મનને ઠંડક આપે છે અને થાકને દૂર કરે છે.
પિંકલભાઈએ ચીંચોડાને દેશી અને આધુનિકતાના સંગમથી બનાવ્યું છે. રસ પીલવા માટે બાવળના બે લંબગોળ લાકડાનો ઉપયોગ કર્યો છે અને તેને ફેરવવા જનરેટરથી શાફ્ટ જોડ્યો છે. તેઓ આ વિશે કહે છે કે “ જો હાથથી ફેરવીને રસ કાઢવામાં આવે તો સમય વધુ જાય અને શેરડીમાંથી રસ પૂરેપૂરો કાઢી શકાતો નથી. શેરડીના પિલાણ માટે લાકડું વાપરવાથી રસ કાળો પડતો નથી. શેરડીના પીલાણ માટે બાવળનું લાકડું મજબૂત હોય છે અને તેનાથી રસમાં રહેલા ગુણધર્મમાં ફરક પડતો નથી.
ગ્રેજ્યુએટ સાથે આઈ.ટી.આઈમાં ટર્નર કોર્ષ પાસ પિંકલભાઈ નોકરી ન કરવાનું મન બનાવી સ્વતંત્ર વ્યવસાય કરવાનું નક્કી કર્યું. પરિવારના છ સભ્યોનું ગુજરાન ચલાવતા તેમણે શેરડીના મધુર રસ વેચીને આત્મનિર્ભર થવાનું પસંદ કર્યું છે. આજના યુવાનો માટે તેમની આત્મનિર્ભરતા આગવી મિશાલ બની છે.
ઉનાળામાં શરીરના તાપમાનને જાળવી રાખવા, ગરમીથી નિજાત પામવા તેમજ ડીહાઈડ્રેશન રોકવા આપણે મોટે ભાગે ઠંડા પીણાનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ. ગરમીની ૠતુમાં સોફટડ્રીંક સાથે ફળોના રસ અને ઘાસ કુળની શેરડીના રસનું સેવન કરીએ છીએ. અમીર-ગરીબ સૌકોઈ માટે શેરડીનો મધુર-મીઠો રસ સુલભ છે. ઉનાળાની શરૂઆતથી જ શહેર હોઈ કે ગામડું શેરડીના ચીંચોડા શરૂ થઇ જતા હોય છે.