બોલિવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનનો 24 વર્ષીય દીકરો આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં (Aaryan Khan First Night in Jail) શુક્રવારે મુંબઈની આર્થર રોડની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. એશોઆરામની જિંદગી વિતાવતા આર્યન ખાને જેલમાં પહેલી રાત્રે જેલ મેન્યુઅલ પ્રમાણે જ રહેવું પડ્યું હતું. સાંજે 6 વાગ્યે તેને ડિનર આપી દેવામાં આવ્યું હતું, જેમાં મગની દાળ, ભાત અને શાક-રોટલી આપવામાં આવ્યા હતા. જેલના પહેલાં માળના બેરેક નં. 1માં તેને રાખવામાં આવ્યો હતો, જ્યાં અન્ય કેદી સાથે બ્લેન્કેટ શેર કરવું પડ્યું હતું.
આ અગાઉ શુક્રવારે કિલા કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના પગલે આર્યનને આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આર્યનને જેલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જેલ બહાર શાહરૂખ ખાન અને તેનો સ્ટાફ ઉભો હતો. આર્યન માટે ટીફીન અને કેટલોક જરૂરી સામાન તેઓ લાવ્યા હતા, પરંતુ કોર્ટની પરવાનગી નહીં હોય તેઓ આર્યનને કશું આપી શક્યા નહોતા. આર્યનને જેલમાં કોઈ જ સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નહોતી. સાંજે 6 વાગ્યે ડીનર લીધા બાદ સવારે 6 વાગ્યે તેને ઉઠાડી દેવામાં આવ્યો હતો અને 7 વાગ્યે નાસ્તામાં પૌંઆ આપવામાં આવ્યા હતા.
આર્યનને આર્થર રોડ જેલના પહેલાં માળની મર્ચન્ટ બેરેક નં. 1માં રાખવામાં આવ્યો છે. અહીં તે પાંચ દિવસ કોરેન્ટીન રહેશે. આ બેરેકમાં આર્યન સાથે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટને પણ રાખવામાં આવ્યો છે. આર્યન અને અરબાઝને એક જ બ્લેન્કેટ આપવામાં આવ્યો હતો, જે બંનેએ શેર કર્યો હતો. અરબાઝ તથા આર્યને બેડશીટ અને ઓશીકું પણ શેર કર્યું હતું. આર્યનને રાત્રે જેલમાં ગરમી લાગી હતી. બેરેક નંબર એકમાં એક જ પંખો છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર અરમાન કોહલી પણ આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં જ બંધ છે. અરમાનના ઘરે 28 ઓગસ્ટના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા અને ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. 12 કલાકની પૂછપરછ બાદ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં અરમાન જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.