પ્રયાગરાજમાં ભાજપ સરકાર દ્વારા પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વિશ્વના તમામ હિંદુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ સનાતન ધર્મનું ગૌરવ છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌરક્ષા કાયદા અને ગાયમાતાની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે બાબત ભાજપને અસહ્ય બની છે. આ કારણસર તેમના ઉપર અને સંતો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો.
- પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો
આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, પરિમલ કાનાણી, યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલિયા તેમજ કોર્પોરેટરો મહેશ અણઘણ, વિપુલ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, દિપ્તીબેન સાકરિયા, મનીષાબેન કુકડીયા, શહેર ઉપપ્રમુખ શોભનાબેન વાઘાણી સહિત શહેર અને પ્રદેશ સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ તકે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવા, ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગૌમાસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે સરકારને વારંવાર અપીલ કરતાં આવ્યા છે.
ગૌમાતાની રક્ષા માટે તેમણે અનેક કાર્યક્રમો અને આંદોલનો કર્યા છે. આ જ કારણોસર ભાજપ સરકાર દ્વારા વારંવાર શંકરાચાર્ય મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને થોડા દિવસ પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂજનીય શંકરાચાર્ય મહારાજનું અપમાન એટલે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું અપમાન છે.
ભારતીય જનતા પાર્ટીના આ દુષ્કૃત્ય સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા પાંડેસરા ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પાસેથી શંકરાચાર્ય મહારાજ અને સમગ્ર હિન્દુ સમાજની જાહેર માફીની માંગ કરવામાં આવી હતી.
આ શાંતિપૂર્ણ લોકજાગૃતિ કાર્યક્રમને ભાજપ સહન કરી શક્યું નહીં અને સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. અમારી સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી ભાજપ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા સમગ્ર હિન્દુ સમાજની માફી નહીં માગે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડત ચાલુ રહેશે.
સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે હિન્દુ છીએ અને આ દેશના નાગરિક છીએ. હિન્દુ સમાજના મહાત્માઓ અને સાધુ-સંતો ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાની રક્ષા માટે કાયદાની માંગ કરે છે, તો સરકાર દ્વારા તેમને જેલમાં નાંખવાની વાત કરવામાં આવે છે. આપણા સૌના પૂજનીય શંકરાચાર્યને પકડી લેવામાં આવે તે અત્યંત નિંદનીય છે. શંકરાચાર્ય સાથે થયેલા આ દુર્વ્યવહાર બદલ ભાજપે તરત માફી માંગવી જોઈએ અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ.જ્યાં સુધી ભાજપ માફી નહીં માગે ત્યા સુધી અમારી લડત ચાલુ રહેશે.