નવી દિલ્હી: મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પહેલો વિરોધી પક્ષ બન્યો છે જેણે કહ્યું કે તેઓ 28 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પર નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. આ વાતના થોડાક કલાકોમાં આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી કે તે આ સમારંભનો બહિષ્કાર કરશે. મોડી સાંજે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવામાં આવી રહ્યું નથી જે રાષ્ટ્રપતિનું ‘અપમાન’ છે અને આ કારણે તેમનો પક્ષ સમારંભનો બહિષ્કાર કરશે. કેજરીવાલે આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.
- તૃણમૂલ, આપ, સીપીઆઇ જેવા વિપક્ષો બહિષ્કાર કરશે, કોંગ્રેસ પણ જોડાઇ શકે
- રાષ્ટ્રપતિ પાસે ઉદઘાટન કરાવાતું નહીં હોવા સામે વાંધો
તૃણમૂલ સાંસદ ડેરેક ઓ‘બ્રાયને ટ્વીટ કર્યું, ‘સંસદ માત્ર એક નવી ઇમારત નથી, તે જૂની પરંપરાઓ, મૂલ્યો, પૂર્વવર્તીઓ અને નિયમો સાથેની સ્થાપના છે, તે ભારતીય લોકશાહીનો પાયો છે. પીએમ મોદીને આ વાત સમજાઈ નથી. તેમના માટે, નવી ઇમારતનું ઉદ્ઘાટન હું, મેં, અને માત્ર મારી જાત વિશે છે. તો અમારી ગણતરી ન કરતા. ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત ન કરવું એ તેમનું ઘોર અપમાન છે. આ ભારતના દલિત આદિવાસી અને વંચિત સમાજનું અપમાન છે. આપ મોદીના વિરોધમાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.’ એમ આપ નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું હતું.
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બદલે પીએમ મોદી દ્વારા નવી સંસદ ખોલવા સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપીને ‘વારંવાર અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો હતો.