સુરત: સુરત (Surat) શહેરના વોર્ડ નં.2 (Ward-2)માં વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર (councilor)નો સંપર્ક કરી એમના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. એ કામ પૂર્ણ ન થતાં સ્થાનિક યુવાનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યાં છે. બેનરો(Bennar)માં આપના કોર્પોરેટર ગુમ (Missing) થઈ ગયા છે તેવું લખાણ લખવામાં આવ્યું છે. કોર્પોરેટરોને કેટલાક મુદ્દાને લઈ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમનું કામ ન થયું હોવાનું જાણવા મળ્યું છે.
વોર્ડ નં.2માં ડ્રેનેજને લઈ પણ ઘણા સમયથી મુશ્કેલીઓ સામે આવી રહી હતી. સોસાયટીની અંદર લાઈટનો પ્રશ્ન છે તે ઘણા સમયથી હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. બીજી તરફ હાઇવે ઉપર લાઈટો ન હોવાને કારણે રોજના ગાયોના અકસ્માતો થઈ રહ્યા છે. જેને લઇને પણ વારંવાર રજૂઆત છતાં આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવાયાં નથી. હાઈવેની પેરેરલ જે રસ્તા છે તે ખૂબ જ બિસમાર હાલતમાં થઈ ગયા છે તેનો પણ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમિયાન લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇ અમે વેલંજા અને ઉમરા વિસ્તારમાં બેનર લગાડી મારો રોષ વ્યક્ત કર્યો છે. ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાને પણ આ બાબતે રજૂઆત કરી હતી. પરંતુ એ પણ ઉડાઉ જવાબ આપી રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરાયો હતો.
મહત્વની વાત છે કે આમ આદમી પાર્ટીની જીત બાદ સતત કાર્યક્રમો આપતી અને લોકોનો અવાજ ઉઠાવતી પાર્ટી તરીકે ઉભરી આવી છે પણ સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો માત્ર વરાછા-કતારગામ વિસ્તારને ટાર્ગેટ કરીને આ તમામ કાર્યક્રમો થઇ પડવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે, સાથે જ આમ આદમી પાર્ટીમાં મોટા ભાગે સૌરાષ્ટ્રીયન કાર્યકરો હોય અન્ય વિસ્તારોને અવગણવામાં આવતા હોવાની પણ વાત સપાટી પર તરી આવે છે, જો કે આપ દ્વારા આગામી સમયમાં વધુ વિસ્તરણ કરવું હોય તો અન્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમો આપી લોકોનો અવાજ બનવું જરૂરી થઇ પડે છે.