સુરત: (Surat) આપ (AAP) નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) રવિવારે સુરતમા રોડ શો (Road Show) યોજ્યો હતો. વરાછામાં સરદારની પ્રતિમાને પ્રણામ કરી સિસોદીયાએ વરાછાવાસીઓના દીલ જીતી લીધા હતા. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે ચૂંટણી લડતી નથી. બીજી તરફ સિસોદીયા રોડ શો દરમ્યાન ગરબે પણ ઘૂમ્યા હતાં. મનીષ સિસોદીયાનો ગરબા ગાવાનો આ અંદાજ વરાછા કે સુરત જ નહીં પરંતુ ગુજરાતીઓના હૈયે વસવાનો પ્રયાસ હોય શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રોડ શો માં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતાં જેને જોતા સિસોયદીયા પાટીદાર (Patidar) કાર્ડ રમી રહ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
આ પહેલા મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ત્યારબાદ તેઓએ રોડ શો કર્યો હતો. આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું. સરથાણા વિસ્તારથી ગજેરા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો તેમજ શહેરના અન્ય વિસ્તારના આપ સમર્થક યુવાનો જોડાયા હતાં.
મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગરબે ઘૂમવાના દૃશ્યો સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યાં છે. અમદાવાદ અને રાજકોટ બાદ મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો સુરત શહેરમાં યોજાયો હતો. દરમ્યાન તેમણે દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો અંગે લોકોને અવગત કર્યા હતાં.
માસ્ક વગર દેખાયા સિસોદીયા
વરાછા વિસ્તારમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભવ્ય રેલી યોજી હતી ત્યારે તેઓ રેલીમાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતાં. સમગ્ર રેલી દરમ્યાન તેઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યાં સુધી કે વાહનમાંથી નીચે ઉતરી કાર્યકર્તાો સાથે ગરબા રમતી વખતે પણ તેમણે માસ્ક પહેર્યું ન હતું.
મનીષ સિસોદિયાએ રોડ શોમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી દિલ્હીમા કોઈ પણ ખાનગી શાળાએ પોતાની ફીમાં વધારો કર્યો નથી ત્યારે ગુજરાતની ખાનગી સ્કૂલોમાં દર વર્ષે ફી વધારો કરતાં સ્કૂલના સંચાલકોને રાજ્ય સરકાર કેમ રોકી શકતી નથી? શું સરકાર નથી ઈચ્છતી કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકોને ઓછા ખર્ચે સારૂં શિક્ષણ મળે? મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ શો દરમ્યાન ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે સુરતમાં હવે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યું છે. ત્યારે હવે સુરત બહારથી પણ નેતાઓ ચૂંંટણી પ્રચાર માટે અહીં ઝંપલાવી રહ્યાં છે.