સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા પરંતુ હજુ સુધી ચૂંટાયેલા સભ્યોને કોર્પોરેટર તરીકે જાહેર કરતું સરકારી ગેઝેટ પ્રસિદ્ધ થયું નથી. તેમ છતાં પણ સુરત મહાપાલિકામાં ચૂંટાયેલા આપના સભ્યો દ્વારા પ્રજાના પ્રશ્નો સાંભળવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arivind Kejriwal) સુરત પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે પોતાના 27 કોર્પોરેટરોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કોર્પોરેટરોને (Corporators) જણાવ્યું હતું કે તમારી પાસે કોઈ વ્યક્તિ રજૂઆત કરવા આવે તો તેમની રજૂઆત સાંભળવાની સાથે તેમને એક કપ ચ્હા પણ પીવડાવજો. મનપામાં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહિ. ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેજો.
આખા ગુજરાતમાં પ્રથમ વખત સુરત મહાપાલિકામાં આપના 27 સભ્યો જીતી આવ્યાં હોવાથી આ સભ્યો ભારે ઉત્સાહમાં છે. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ તેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને ત્યારબાદ મહાપાલિકામાં સોગંદ લેવડાવી કોર્પોરેટરો તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયામાં સમય લાગતો હોય છે પરંતુ તે પહેલા જ આપના ચૂંટાયેલા સભ્યો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વોર્ડ નં. 3 (સરથાણા-સીમાડા-લસકાણા)ના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઇને આવેલા યુવા કોર્પોરેટરો દ્વારા જીતના પ્રથમ દિવસથી જ પોતાના વિસ્તારની મુલાકાત લઇને પ્રજાના પાયાના મુદાની જાણકારી લઈને તે માટેની લેખિતમાં રજૂઆત પણ મનપાને કરી હતી. રજૂઆતમાં આપના સભ્ય ઋતાબેન દુધાગરાએ પાસોદરાથી નવજીવન હોટલ તરફના રોડ પરની વધારાની માટી દૂર કરવાની મનપાને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ અન્ય સભ્ય કનુભાઈ ગેડીયા દ્વારા નારાયણ નગરના સ્થાનિકોને રહેઠાણ મકાનમાં ધંધાકીય વેરો ઉઘરાવામાં આવે છે તેની સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી મનપામાં રજૂઆત કરી હતી. રજુઆત સાંભળીને મનપામાં રજુઆત કરી હતી.
શુક્રવારે કેજરીવાલનો નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં તેમણે ચૂંટાયેલા કોર્પોરેટરોને આદેશ કર્યો કે કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમની નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો. કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા. તો તેમણે બપોરનું ભોજન આપના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે કર્યું હતું.