નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓ હાલના દિવસોમાં જેલમાં છે, ત્યારે પાર્ટી માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્ય દિનેશ વાઘેલાનું (Dinesh Vaghela) ગઇકાલે સોમવારે અવસાન થયું છે. તેમનું અવસાન લાંબા ગાળાની બિમારી બાદ થયું છે.
AAPના ઉપાધ્યક્ષ વાલ્મિકી નાઈકે આજે મંગળવારે આ જાણકારી આપી હતી તેમજ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક સભ્ય દિનેશ વાઘેલાનું લાંબી માંદગી બાદ ગોવામાં નિધન થયું છે. તેમની ઉંમર 73 વર્ષની હતી. વધુમાં તેમણે કહ્યું કે પાર્ટીના સ્થાપક સભ્ય દિનેશ વાઘેલા, જેઓ બાબાજી તરીકે જાણીતા છે, તેમનું નિધન થયું છે. તેમજ ગોવામાં પાર્ટીને વિકસાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પક્ષને મજબૂત કરવા માટે ગોવામાં સક્રિય રહ્યા
વાઘેલા AAPના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય હતા. તેમજ તેમણે પક્ષને મજબૂત કરવા માટે ગોવામાં સક્રિય રીતે કામ કર્યું હતું. નાઈકે જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર 2 એપ્રિલના રોજ બપોરે 3:30 કલાકે પણજીના સેન્ટ ઈનેઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. દિનેશ વાઘેલા AAP પાર્ટીના શરૂઆતના સભ્યોમાંના એક હતા. જેઓ ભ્રષ્ટાચાર ચળવળ બાદ આમ આદમી પાર્ટીના મહત્વના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વાઘેલા ગુજરાતના વતની છે અને છેલ્લા કેટલાક સમયથી ગોવામાં રહેતા હતા. તેઓ પક્ષની ‘શિસ્ત સમિતિ’ના વડા હતા. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.
કેજરીવાલ સહિત AAPના મોટા નેતાઓ જેલમાં છે
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDના રિમાન્ડ સમાપ્ત થયા પછી, તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ પહેલા ‘આપ’ના ત્રણ અગ્રણી નેતાઓ – સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહને જેલમાં મોકલવામાં આવ્યા હતા.