દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અભદ્રતાનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હવે દિલ્હી પોલીસની ટીમ પણ આ મામલે તપાસ કરવા સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ કુશવાહા અને ઉત્તર જિલ્લાના એડિશનલ ડીસીપી અજંથિયા ચિપલા સ્વાતિ માલીવાલના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસે સ્વાતિની ચાર કલાક પૂછપરછ કરી હતી.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાતિ માલીવાલે 13મી સોમવારની સમગ્ર ઘટના પોતાના નિવેદનમાં જણાવી હતી. તેમણે કયા સંજોગોમાં પીસીઆર કોલ કર્યો તે અંગે પણ પોલીસને જાણ કરી. પોલીસે તેમના નિવેદનના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. AAPના રાજ્યસભા સાંસદે સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ કુશવાહા અને એડિશનલ ડીસીપી નોર્થ અંજિતા સામે પોતાનું નિવેદન નોંધ્યું હતું. દિલ્હી પોલીસ અધિકારીઓ બપોરે 1.50 વાગ્યે અહીં આવ્યા હતા. સ્વાતિ માલીવાલના ફ્લેટના ટાવરની બહાર 4-5 CRPF જવાનો તૈનાત હતા.
જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો હતો. માલીવાલે સોમવારે સવારે કેજરીવાલના પીએ વિભવ કુમાર પર સીએમ આવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે દિવસથી આ મામલે સતત હોબાળો ચાલી રહ્યો છે. એનસીડબ્લ્યુએ કેજરીવાલના પીએ વિભવને પણ નોટિસ પાઠવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો કે સ્વાતિ સાથે અભદ્ર વર્તન થયું હતું.
બિભવ કુમારને નોટિસ
બીજી તરફ કેજરીવાલના પીએસ વિભવ કુમારને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. વિભવ કુમારને શુક્રવારે એટલે કે 17 મેના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મહિલા આયોગે માલીવાલની મીડિયા પોસ્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે બિભવે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. મહિલા આયોગે આ આરોપો પર નોટિસ જારી કરી હતી.
કેજરીવાલના પીએ પર આરોપો
અરવિંદ કેજરીવાલના પીએ પર સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો આરોપ છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની સાથે તેમના પીએ વિભવ પણ સમાજવાદી પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. જોકે તે આખો સમય કારમાં બેસી રહ્યા હતા.
કેજરીવાલ મૌન રહ્યા
લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જ્યારે સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા વિવાદના મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન જાળવ્યું હતું. આ પછી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સ્વાતિ માલીવાલ કરતા પણ મોટા મુદ્દા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે આ મામલે તેમને જે પણ જવાબ આપવાનો હતો તે તેઓ આપી ચૂક્યા છે. આ મામલે રાજનીતિ ન થવી જોઈએ.