Gujarat Election - 2022

આપ આતંકવાદની શુભેચ્છક છે: યોગી આદિત્યનાથ

ગાંધીનગર: આમ આદમી પાર્ટીનો (AAP) સેમ્પલ દિલ્હીથી (Delhi) અહીં આવ્યો છે, તે આતંકવાદનો શુભેચ્છક છે, રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનમાં (Pakistan) સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે તે બહાદુર સૈનિકો પાસેથી પુરાવા માંગે છે. પાકિસ્તાન કહેતું હતું કે, ભારતીય જવાનોએ અમારી કમર તોડી નાંખી, આમ આદમી પાર્ટીને પુરાવા જોઈએ છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર તેમના જનીનોનો ભાગ છે, તેવું સોમનાથ, ગારિયાધાર અને સાવરકુંડલામાં જાહેર સભાઓને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. ચોથા દિવસ શનિવારે પણ તેમણે ત્રણ જાહેરસભા યોજી હતી. તેમણે ભગવાન સોમનાથના મંદિરમાં દર્શન અને પૂજા કરીને રેલીની શરૂઆત કરી હતી. આ પછી ત્રણેય વિધાનસભા (સોમનાથ, ગારિયાધાર અને સાવરકુંડલા)માં જાહેર સભાઓ યોજાઈ હતી.

યોગી આદિત્યનાથે સોમનાથમાં ડો.ભીમરાવ આંબેડકરના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ સોમનાથ મંદિરને પુનર્જીવિત કરવા ઈચ્છતી ન હતી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રબળ ઈચ્છાશક્તિએ એ શક્ય બનાવ્યું હતું. કોંગ્રેસે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને અહીં કાર્યક્રમમાં આવવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ બાબાસાહેબને ચૂંટણીમાં હરાવવા માટે તમામ પ્રયાસો કરતી હતી. 1990માં ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરવામાં આવી હતી. ભગવાન સોમનાથનાં ચરણોમાં જે સંકલ્પ લેવાયો હતો, ભવ્ય રામ મંદિરનું નિર્માણ તેની પરાકાષ્ઠા છે.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી મહાન છે. યુપીમાં જન્મેલા ભગવાન કૃષ્ણ કનૈયા અહીં આવ્યા અને દ્વારકાધીશ બન્યા. અયોધ્યા નજીકના છાપિયામાં જન્મેલા ભગવાન સ્વામીનારાયણ ગુજરાતમાં આસ્થાના પ્રતીક બન્યા હતા. દુશ્મનો હવે ભારતમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી શકશે નહીં, અગાઉ રામ મંદિર, કાશી, સ્વામીનારાયણ મંદિર, ગાંધીનગર, દિલ્હી, મુંબઈમાં ગમે ત્યારે હુમલો થતો હતો. મોદી જ્યારે સીએમ બન્યા ત્યારે કર્ફ્યુ-હુલ્લડો અને જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે આતંકવાદી હુમલાનો અંત આવ્યો. કોંગ્રેસ અને આપ સમાજને તોડે છે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને ભાજપનો રાષ્ટ્રવાદ ભેદભાવ વિના દરેકનો સાથ અને વિકાસ રાખે છે. કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફ ન જવું જોઈએ. બંને પક્ષ સત્તાના ભૂખ્યા છે. તેઓ સત્તાની વહેંચણી ઈચ્છે છે. તેમને દેશની સુરક્ષા-સમૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા નથી.

Most Popular

To Top