Charchapatra

આજ દિલ પે કોઇ જોર ચલતા નહીં ‘મિલન’ ફિલ્મના ગીતનો ભોગ લેવાયો હતો

હૃદયને ગાતાં ગીતો લોકપ્રિય વિભાગમાં કવિહૃદયના લેખક બકુલ ટેલરે 1967ની જબરજસ્ત સફળ ફિલ્મ મિલનના લતા મંગેશકરના દુર્લભ ગીતની યાદ તાજી કરી અમારા જેવાં હજારો સંગીતપ્રેમીઓની ભૂખ સંતોષીને કમાલ કરી છે. વિશેષ આનંદ બક્ષીના આ ગીતની ઊંડાઇ અને ઊંચાઇ પર વિગતે વિસ્તારથી કલમ ચલાવી સાચા અર્થમાં ગીતની મહિમા કરી જાણી છે એની ખુશી થઇ છે. ખેર, મૂળ વાત જાણવા જેવી છે.

આ ફિલ્મને જોયાને 57 વર્ષ થઇ ગયાં છે. આ ફિલ્મ સુરતની કેપિટલ ટોકીઝમાં પહેલા વીકમાં પહેલા શોમાં બચપનના ખાસ મિત્ર મહેશ જરીવાલા સાથે પચાસ પૈસામાં જોઇ હતી. આ ફિલ્મે સિલ્વર જયુબિલિ ઉજવી હતી. આ ગીતની અજીબોગરીબ કરુણ કહાણી અહીં રજૂ કરું છું. આ ફિલ્મના એક સીનની વાત જાણવા જેવી છે. દક્ષિણ ભારતની જમુનાએ આ ફિલ્મમાં અલ્લડ યુવતીની રમતિયાળ ભૂમિકામાં અભિનયમાં પ્રાણ ફૂંકી દીધા હતા. સુનિલ દત્ત ને જમુના લડતા ઝઘડતા બેહદ બેહદ પ્રેમ કરે છે. એક દિવસ ખલનાયક પ્રાણના માણસો રાત્રિના અંધકારમાં સુનિલ દત્ત પર પીઠ પાછળ ઘા કરે છે.

એને લોહીલુહાણ કરી નાંખે છે. સંકટના આ સમય પર જમુના સુનિલ દત્તને બચાવે છે. પોતાની ઝૂંપડી જેવા ઘરમાં લાવીને સારવાર કરે છે. પછી એને સુવડાવે છે. થોડીક રાહત થાય છે. પછી આંખમાં આંસુ સાથે ઘરના દરવાજા પરના ફાનસના  અજવાળામાં આ ગીત રડતાં રડતાં ગાય છે. એ રડે છે. સાથે ફિલ્મનાં દર્શકોને પણ રડાવે છે. એના અભિનય પર દર્શકો ફિદા થઇ જાય છે. હવે મૂળ વાત વેદનાસભર વિરહવાળા લતા મંગેશકરની આ ગીતની એના અભિનયની નસીબ સંજોગે પહેલા વીકમાં દર્શકોને જોવા મળી હતી. બીજા વીકમાં આ કરુણ ગીતનો ભોગ લેવાય  છે.

ફિલ્મની લંબાઇના કારણે કમનસીબે એના પર કાતર ફરી વળે છે. કહેવું જોઇએ કે આજદિન સુધી થિયેટરમાં કે ટી.વી. પર આ ગીત જોવા મળ્યું નથી. હા રેડિયો પર કયારેક આ ગીત વાગે છે ત્યારે મિલન ફિલ્મની જમુના જરૂર યાદ આવે છે. આ ફિલ્મના બેહતરીન અભિનયના કારણે જમુનાને સહ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
સુરત     – જગદીશ પાનવાલા–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તંગ જીવનને ઊડતો કરતો પતંગ
પાંચ જગ્યાએથી તંગ થાય છે, ચાર છેદ કરી દોરી બંધાય છે. ક્યારેક પતંગને પૂંછડી લગાવાય છે તો ક્યારે બે બાજુથી પતંગને મરડાવાય પણ છે, તેને ઇજા પહોંચે તો સંધાય છે ત્યારે પતંગ આકાશે પવન સંગ ઊડી લહેરાય છે. ઊડતાં ઊડતાં અન્ય સંગ પેચ લેવાય છે. ક્યારેક પોતાના જાતભાઇને કાપે છે તો ક્યારેક પોતે પણ કપાય છે. કપાયા પછી લૂંટાય છે. વળી વિધવિધ જાતના તેનાં રંગો વિધવિધ પ્રકારના તેના આકાર વળી લેફડી ટુક્કલ ચક્કણિયો પૂંછડિયો જેવાં ઉપનામ થકી તે ઓળખાય છે.

આમ અનેક વિતક પછી પતંગ આકાશ ઊડે છે, કોઇ સરતી છોડે છે તો કોઇ તેની સાથે ખેંચમ-તાણી પણ કરે છે. વળી જે પતંગ સ્થિર હોય છે રાત્રે તેના ઉપર રંગીન પ્રકાશિત બલૂન પણ ઉડાવાય છે. આમ મનુષ્ય તહેવાર મનાવે છે અને પતંગ થકી આનંદિત થાય છે. આ છે પતંગની જીવનકથા અને તે સૌ માટે પ્રેરક બની રહે છે. મનુષ્યતાને પતંગ જીવવાની કલાની સાથે સાથે અન્યોને આનંદિત કરવાનું પણ શીખવી જાય છે.
નવસારી, – ગુણવંત જોષી–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top