આણંદ : સ્ટેચ્યુ પાસે જમીનમાંથી નામ કઢાવી નાંખવાના મુદ્દે બે કુટુંબી ભાઇ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને સળીયાનો ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે હુમલાખોર યુવક સામે ગુનો નોંધ્યો હતો. આણંદની મોટી ખોડીયાર વિસ્તારની શિવશક્તિ પાર્ક સોસાયટી ખાતે રહેતા નરેન્દ્ર રણછોડભાઈ પ્રજાપતિ કડીયાકામ કરે છે. તેના કાકા નિલેશ મોતીભાઈ પ્રજાપતિ (રહે.દિપાવલી સોસાયટી, સો ફુટ રોડ, આણંદ) રહે છે. જેનો પુત્ર જીગ્નેશ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે.
આ ઉપરાંત અન્ય કુટુંબી પિતરાઇ ભાઈ અનિલ રમેશ પ્રજાપતિ (રહે. ગંગદેવનગર, આણંદ) ખાતે રહે છે. નરેન્દ્ર 15મી ડિસેમ્બરના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઇન્દીરા સ્ટેચ્યુ પાસે ચાની લારી પર ચા પીવા ગયાં હતાં. તે સમયે તેના પિતરાઇ અનિલ રમેશ પ્રજાપતિ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, કચ્છમાં આવેલી જમીનમાંથી અમારા નામ તમે લોકોએ કેમ કઢાવી નાંખ્યાં ? તેમ કહી મોઢા પર મુક્કો મારી દીધો હતો. આથી, નરેન્દ્રએ મદદ માટે તેના મિત્ર સંજય જયરામભાઈ પ્રજાપતિને જાણ કરતાં સંજય તુરંત ઘટના સ્થળે જવા નિકળ્યો હતો. તેની સાથે તેનો પિતરાઇ ભાઈ જીગ્નેશભાઈ નિલેશભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં.
આ સમયે ત્યાં હાજર અનિલને પુછતાં તે અપશબ્દ બોલવા લાગ્યો હતો. તે સીધો જીગ્નેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને કચ્છની જમીનમાંથી અમારા નામ કઢાવી નાંખેલા છે. તેમ કહેતા અનિલના પિતા રમેશભાઈને ફોન કરી બોલાવવાની વાત કરતા તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને નજીકની ફેબ્રીકેશનની દુકાન તરફ દોડી લોખંડની પાઇપ ઉઠાવી હતી અને તેની પાછળ પાછળ આવેલા જીગ્નેશભાઈને માથામાં જોરદાર ફટકો મારી દેતાં તે ત્યાં જ ઢળી પડ્યાં હતાં. જોકે, અનિલને રોકવા જતાંત ભાવેશભાઈ પ્રજાપતિને પણ લોખંડની પાઇપ મારી ભાગી ગયો હતો.
આ પાઇપના ફટકાથી જીગ્નેશભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે શહેર પોલીસને જાણ કરતાં પોલીસે અનિલ રમેશ પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ હુમલા બાદ અનિલ ફરાર થઇ ગયો હતો. જેને પકડવા શહેર પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ તે મળી આવ્યો નહતો.