સુરત: એક વર્ષ પહેલાં સુરત એરપોર્ટ પર નમકીનનાં પેકેટમાં 6.75 કરોડની કિંમતના હીરાની હેરફેરમાં બે આરોપીઓ પકડાયા હતા. એ પછી ગત બુધવારે તા.27-7-2023નાં રોજ સુરતથી શારજાહ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં શારજાહ જઈ રહેલા સુરતના પુણાના એક પેસેન્જરની તલાશી લેતા તેની પાસેથી 4910.3 કેરેટ વજનના રૂપિયા 1,10,12,900ની કિંમતના હીરા મળી આવ્યા હતા.
પ્રમુખછાયા સોસાયટી, યોગી ચોકનો જીજ્ઞેશ બટુકભાઈ મોરડિયા કસ્ટમ ડ્યુટી ભર્યા વિનાના રફ હીરાની ખેપ મારવા જતા કસ્ટમનાં હાથે પકડાયો
સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટે 32 વર્ષની વયના મુસાફર જીગ્નેશ બટુકભાઈ મોરડિયા (રહે. A-127, પ્રમુખછાયા સોસાયટી, યોગી ચોક,બોમ્બે માર્કેટ પાસે, પુણા ગામ, સુરત)ની તા.27.07.2023 ના રોજ કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 108 હેઠળ નિવેદન નોંધી ધરપકડ કરી હતી.
કસ્ટમ અધિકારીઓ દ્વારા જીગ્નેશ બટુકભાઈ મોરડિયાના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં તેમણે વાદળી રંગની ટ્રોલી બેગના અંદરના ભાગમાં મેટલ ફિક્સરમાં છુપાવેલા રફ હીરાની ભારતમાંથી દાણચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ હીરાની દાણચોરીનો હેતુ સ્પષ્ટપણે વ્યાપારી હેતુ માટે હતો અને તેથી કસ્ટમ્સ અધિનિયમ, 1962ની કલમ 79 હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પેસેન્જર દ્વારા આ માલ કસ્ટમ સત્તાવાળાઓ સમક્ષ જાહેર કરવામાં આવ્યો ન હતો. કસ્ટમ વિભાગે સરકાર માન્ય વેલ્યુઅર વિકાસરાજ તિલકરાજ જુનેજાનાં રિપોર્ટ મુજબ રફ હીરાની કિંમત નક્કી કરી હતી. 4910.3 કેરેટના રફ હીરાની કિંમત રૂ. 1,10,12,900/- રૂપિયા જાહેર કરવામાં આવી હતી. જીજ્ઞેશ બટુકભાઈ મોરડિયા પાસેથી જપ્ત કરાયેલા હીરા વેરહાઉસ ઇન્ચાર્જને સોંપવામાં આવ્યા છે.
કેવી રીતે છૂપાવવામાં આવ્યા હતા કરોડોના હીરા
તા.27.07.2023 તારીખની એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નં. IX-171 દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ, સુરતથી શારજાહ જવાની પ્રક્રિયામાં હતી. ત્યારે ચેકિંગ માટે 23.15 કલાકે રોકવામાં આવી હતી. ડિપાર્ચર હોલ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જીગ્નેશ મોરડીયા એક ટ્રોલી બેગ અને એક સ્લિંગ બેગ લઈ રહ્યો હતો. ટ્રોલી બેગ વાદળી રંગની હતી અને સ્લિંગ બેગ કાળા રંગની હતી.
એરપોર્ટના ડિપાર્ચર હોલનાં એક્સ-રે મશીનમાં ઉક્ત પેક્સનો સામાન સ્કેન કરવામાં આવ્યો હતો અને એ નોંધવામાં આવ્યું હતું કે વાદળી રંગની ટ્રોલી બેગના અંદરના ભાગમાં ધાતુના ફિક્સરમાં ચિત્રો જેવા કેટલાક પથ્થર દેખાય છે. ત્યારબાદ, પંચોની હાજરીમાં પંચનામા હેઠળના અધિકારીઓએ બ્લુ ટ્રોલી બેગના અંદરના ભાગમાં ફિક્સ કરેલા મેટાલિક ફિક્સર ખોલ્યા અને જાણવા મળ્યું કે તેમાં 09 સીલબંધ પ્લાસ્ટિકના પાઉચ છે જેમાં નાની ક્રિસ્ટલ જેવી વસ્તુઓ છે જે વિવિધ કદ અને આકારની હતી અને તે રફ હીરા હોવાનું જણાયું હતું.ત્યારપછી, કસ્ટમ્સ અધિકારીએ ટેલિફોનિક રીતે સરકાર માન્ય વેલ્યુઅર વિકાસરાજ તિલકરાજ જુનેજાને ફોન કરી પકડાયેલા માલની તપાસ કરતા એ રફ હીરા હોવાનું બહાર આવ્યું હતું.