SURAT

સેટિંગ કરી બેન્કમાંથી 16 કરોડની લોન લેનાર વરાછાનો યુવક ઝડપાયો, પત્ની અને ભાભી પણ ભેરવાયા

સુરત: ફાઈનાન્સ પેઢીનો ધંધો કરનાર રાકેશ ભીમાણીએ પોતાની પત્ની અને ભાભીના નામે ધંધાર્થે લોન લીધી હતી. લોન ઉપર પોતે ગેરેન્ટર તરીકે રહી ધંધાનું ખોટું સરનામુ દર્શાવી ટેક્સટાઇલ્સને લગતી મશીનરી હોવાનું બતાવ્યું હતું. જ્યારે સ્થળ પર ખરાઈ કરતા મશીનરીની જગ્યાએ 10 બાય 12ની ઓરડી હતી. આમ, બેંક પાસેથી કુલ 16.38 કરોડની લોન મેળવી છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવતા ગુનો નોંધાયા બાદ ઇકોસેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે વોલ સ્ટ્રીટના પહેલા માળ પર ઓરિયન્ટ ક્લબની સામે એલિસબ્રીજ પાસે રહેતા પ્રભાકર કાલીઅપ્પા નાડાર તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંકમાં ચીફ મેનેજર છે. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે સુરત રીંગરોડ ખાતે આવેલી તેમની બ્રાંચમાંથી લોન લઈને બેંક સાથે ઠગાઈ કરવામાં આવી છે.

  • ધંધાના બહાને પત્ની અને ભાભીના નામે લોન લઈને તમિલનાડુ બેંક સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો
  • 10 બાય 12ની ઓરડી પર તમિલનાડુ બેંકમાંથી 16.38 કરોડની લોન પાસ કરાવી લીધી
  • આરોપીએ બેંક મેનેજર અને વેલ્યુઅરો સાથે મળી મોર્ગેજ મિલ્કતની મૂળ કિંમત કરતા વધુ વેલ્યુએશન બતાવી હતી
  • ટેક્સટાઈલની મોટી મોટી મશીનરીઓ હોવાની વાતો કરી

ફરિયાદ મુજબ બેંકની હેડ ઓફિસમાંથી એક એનપીએ થયેલા લોન એકાઉન્ટ બાબતે તપાસ કરવા આદેશ અપાયો હતો. સુરત રીંગ રોડ ખાતેની શાખાના એન.પી.એ થયેલા લોન ધારકોની ફાઇલો ચેક કરતાં તેમાં ઘણી જ ખામીઓ જોવા મળી હતી અને આ તમામ લોન ધારકોએ ચીફ મેનેજર આર. સુંદર (રિંગરોડ બ્રાન્ચ, સુરત) તથા વેલ્યુઅર મોકાની અને રમેશભાઇ જૈન, મહાલક્ષ્મી એસોસિયેટ સાથે મળી મોર્ગેજમાં મુકેલી મિલકતનું ખોટું વેલ્યુએશન કરાવ્યું હતું. તેમજ ખોટો સ્ટોક બતાવી સી.સી.લોન તથા ઓવર ડ્રાફટની મર્યાદા મંજુર કરાવી હતી અને તે લોન આજદીન સુધી ભરપાઇ ન કરી બેંક સાથે છેતરપિંડી કરી હતી. પુણાગામ ખાતે રહેતા અને ફાઈનાન્સ પેઢી ધરાવતા રાકેશ ધીરૂભાઇ ભીમાણીએ તેની પત્ની અને ભાભીના નામે આ લોન મેળવી હતી. તેને બેંક મેનેજર તથા એજન્ટોની મદદથી ધંધાનું ખોટું સરનામુ, ધંધાના ખોટા દસ્તાવેજો રજુ કરી બેંકના મેનેજર તથા વેલ્યુઅરની મદદગારીથી પોતાની મિલ્કતો તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંકમાં મોર્ગેજ મુકી હતી અને આ મિલકતની મુળ કિંમત કરતા વધુ વેલ્યુએશન બતાવી હતી. આ રીતે બેંક કર્મચારીઓના મેળાપીપણામાં બેંક મેનેજર આર. સુંદર, ગેરેન્ટર તેમજ વેલ્યુઅરે લોન લેવાની પ્રોસેસ કરાવી કુલ 16.38 કરોડની લોન મંજુર કરી આપી હતી. વળી જે ધંધા માટે લોન લીધી હતી તેવો કોઈ ધંધો નહોતો.

ઇકોસેલ દ્વારા આ અંગે તપાસ કરી ક્રાઈમ બ્રાંચમાં આરોપી કોમલ રાકેશકુમાર ભીમાણી (રહે,૧૭૪ માતૃધામ સોસાયટી, કારગીલચોક, પુણાગામ), મનીષા અમુલભાઇ ભીમાણી (રહે-આઇ/૩૦૭, મેઘમલ્હાર રેસીડન્સી, વીંટીનગર રોડ, સરથાણા જકાતનાકાની બાજુમાં ) તથા રાકેશ ધીરૂભાઇ ભીમાણી (રહે- ૧૭૪ માતૃધામ સોસાયટી, પુણાગામ)ની સામે ફરિયાદ દાખલ કરી હતી. આ સિવાય બેંક મેનેજર, વેલ્યુઅરો સહિતના આરોપીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. ઇકોસેલના પીએસઆઈ વાય.જી.ગિરનારે બાતમીના આધારે આરોપી રાકેશ ધીરૂભાઇ ભીમાણી (ઉ.વ.૩૪, ધંધો-વેપાર ફાઇનાન્સ પેઢી) ને વરાછા મીનીબજાર પાસેથી ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top