સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત (Accident) થયો છે. એક બાઈક ચાલકે યુવકને અડફેટે લઈ ઉડાવી દીધો હતો. આ અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું છે. પરિવારનો એક જ કમાનાર યુવકનું અકાળ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે માસૂમ પુત્રો અનાથ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને રોજગારી માટે સુરતના પાંડેસરાની માતૃભૂમિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય વિજયપથ ચૌધરીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. તેના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા અને બે પુત્રો છે. વિજય સુરતમાં સાળા સાથે રહેતો હતો. તે કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. બે વર્ષ પહેલાં જ તે વતનથી રોજગારી માટે સુરત આવ્યો હતો.
ગઈકાલે તા. 23 એપ્રિલની સાંજે વિજય નોકરી પરથી રોજની જેમ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરામાં પેલેસ નગર ચોકડી પાસે વિજયને એક બાઈક ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરના લીધે વિજય ઉછળીને દૂર પડ્યો હતો. અકસ્માત બાદ વિજયની મદદ કરવાના બદલે બાઈક (GJ05HV4338) ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસથી લોકો વિજય પાસે દોડી ગયા હતા અને 108 સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
108 દ્વારા ઈજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં વિજયનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિજયના મોતની જાણ થતા વતનમાં રહેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વિજય પરિવારમાં એકનો એક કમાનાર હતો. જેથી પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો છે. ક્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતક વિજયના સાળા સુરેશ ચૌધરી કહ્યું કે, વિજયના મોતના પગલે પરિવારે કમાવ દીકરો જ ગુમાવી દીધો છે. વિજયના મોતના પગલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને બાઈક નો નંબર પણ આપવામાં આવ્યો છે. બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.