ઘેજ: ચીખલી (Chikhli) નજીકના ખૂંધમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવાન સાથે મોપેડની તસવીર કંડારવાના મામલે સર્જાયેલા વિવાદમાં ચાર જેટલાએ તલવારથી હુમલો (Attack) કરી યુવાનને લોહીલુહાણ કરતા પોલીસે (Police) ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ખૂંધ ગામની સીમમાં સાતપીપળા પેટ્રોલ પંપની પાછળના વિસ્તારમાં ખંડેર મકાન પાસે ખૂંધ પોંકડાના દિપક સતીષભાઇ પટેલે તેની પ્રેમિકાને મળવા માટે બોલાવેલી ત્યાં એક મેસ્ટ્રો મોપેડ પડેલું હતું. જે દિપકની પ્રેમિકાને મોપેડ એની મિત્રનું જ હોવાનું જણાતા તેની તસવીર મોબાઇલમાં કંડારી હતી. તે સમયે ત્યાં હાજર યક્ષીત ધીરૂ પટેલ (રહે. સાંઇનગર ખૂંધ તા. ચીખલી) અને તેની પ્રેમિકાએ આ બંનેને ‘તમે મોપેડનો ફોટો કેમ પાડ્યો કહી ગાળો આપી તેના મિત્રોને ફોન કરી સ્થળ પર બોલાવી લીધા હતા.
આ દરમ્યાન બંનેની પ્રેમિકા મોપેડ લઇને ત્યાંથી રવાના થઇ ગઇ હતી. બાદમાં દિપક ત્યાંથી જવા નીકળતો હતો ત્યારે તેને યક્ષીતે ઊભો રાખી આવલા યક્ષીતના મિત્રોએ દિપક પર હુમલો કર્યો હતો અને યક્ષીતે તલવારથી ઘા કરતા તેને શરીરના વિવિધ ભાગે ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત દિપકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
પોલીસે દિપકની ફરિયાદના આધારે યક્ષીત ઉપરાંત તેનો મિત્ર લાલુ (રહે. ગોલવાડ તા. ચીખલી), મિત સુભાષ પટેલ (રહે. વંકાલ) તેમજ ભાવિક ઉર્ફે બન્ટુ ઉત્તમ પટેલ (રહે. ખૂંધ) સામે ગુનો નોંધી પીએસઆઇ સમીરભાઇ કડીવાલા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આ ચારેયને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
‘ઘરના આંગણામાં વાડ કેમ બનાવે છે?’ કહી કુકરમુંડામાં માતા-પુત્ર પર હુમલો
વ્યારા: કુકરમુંડાના ડોડવા ગામે તા.૧૭મી એપ્રિલે હરીશ બંકીમચંદ્ર પાડવી (ઉં.વ.૩૮) ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરીકામથી સાંજે પરત આવી આશરે સાડા સાતેક વાગે ઘરે પેપર વાંચતો હતો. એ અરસામાં તેનો પાડોશી રમેશ સુરપસીંગ પાડવી
ખાટલાનો પાયો લઈ દોડી આવ્યો હતો. અને કહેવા લાગ્યો કે તે “ઘરના આંગણામાં વાડ કેમ બનાવે છે?’’ કહી ગાળો આપી હતી. રમેશ પાડવીએ ઉશ્કેરાઈ ઢીકમુક્કીનો માર મારી, પીઠના ભાગે લાકડાનો પાયો મારી દીધો હતો. બીજો સપાટો જમણા કાન ઉપર મારતાં હરીશે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ઘરમાંથી તેની માતા રાધાબેન બચાવવા દોડી આવ્યાં હતાં. આ રમેશે તેની માતાને પણ પાયાનો સપાટો મારી દીધો હતો. તેની બહેન અસ્મિતા તથા આસપાસના લોકો દોડી આવતાં રમેશે આજે તો તું બચી ગયો, પરંતુ ફરી ક્યારેક મળીશ તો મારી નાંખીશ કહી જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત હરીશ અને તેની માતાને કુકરમુંડા સરકારી દવાખાને સારવાર માટે લઇ આવ્યા હતા. હરીશની માતાને માથાના ભાગે ટાંકા આવ્યા હતા.