SURAT

CCTVમાં કેદ મોત: સુરતમાં કપડાં ધોઈ રહેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકની આશંકા

સુરત(Surat): હાર્ટ એટેકથી (Heart Attack) મોતની (Death) ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે તા. 28 ડિસેમ્બરની સવારે સુરત શહેરમાં એક યુવકનું મોત થયું છે. સુરતના એક રિસોર્ટમાં રોજની જેમ યુવક કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો અને ગણતરીની સૈંકડમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાર્ટ એટેકના લીધે યુવકનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રનો અને સુરતમાં ડુમસ ખાતે રેમ્બો રિસોર્ટમાં નોકરી કરતા 35 વર્ષીય વિકાસ સતીષ મૈથનું આજે સવારે અચાનક મૃત્યુ થયું છે. વિકાસ રિસોર્ટમાં સાફ સફાઈનું કામ કરતો હતો. દસ દિવસ પહેલાં જ તે વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો.

દરમિયાન આજે સવારે 8.30 કલાકે રિસોર્ટમાં જ તે પોતાના કપડાં ધોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો. ગણતરીની સેકન્ડમાં તે તડપી તડપીને મૃત્યુ પામ્યો હતો. સાથી કામદારોને ખબર પડતા તેઓ દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી વિકાસને નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ રિસોર્ટના માલિકોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા વિકાસ કઈ રીતે મૃત્યુ પામ્યો તે વિગતો બહાર આવી હતી.

હાલ તો વિકાસનું મોત હાર્ટ એટેકના કારણે થયું ભવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જ્યારે વિકાસ દસ દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી જોકે પોલીસ એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top