સુરતઃ (Surat) શહેરના ઉન વિસ્તારમાં આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. હનુમાનજીના મંદિરમાં (Temple) વાંદરા (Monkey) સાથે સેલ્ફી (Selfie) લેવા ગયેલા યુવકને વાંદરાએ બે બચકા ભરી લીધા હતાં. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલમાં ખસેડાયો હતો.
પ્રાણીઓ હંમેશા મનુષ્ય વસ્તીથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ જંગલો (Forest) અને ખેતરોનો (Farm) નાશ થતા વાંદરા, દીપડા, મોર શહેરમાં જોવા મળતાં હોય તેવા બનાવો ઘણી વખતે પ્રકાશમાં આવતા રહે છે. ખાસ કરીને વાંદરાઓનું ટોળું ઘણી વખત શહેરમાં ધસી આવ્યું હોવાનું જોવા મળ્યું છે. આવામાં મનુષ્ય તેમને છંછેડવાનો પ્રયાસ કરે તો તેમના દ્વારા હુમલો કરાતો હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી હોય છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉન પાટિયા ખાતે હયાતનગરમાં રહેતો 27 વર્ષીય દિગમ્બર પાટીલ આજે સવારે ઘર નજીક એક હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા ગયો હતો. દિગમ્બર રોજ મંદિરમાં દર્શને જાય છે. આજે સવારે મંદિર પાસે ગયો ત્યાં બાંકડા ઉપર એક વાંદરો બેઠો હતો. દિગમ્બરે વાંદરા સાથે સેલ્ફી લેવાનો વિચાર આવતા તેને મોબાઈલ ખિસામાંથી કાઢી વાંદરાની આગળ ઉભો રહી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. એ ક્ષણે વાંદરાએ પાછળથી એટેક કરી હાથમાં કરડી લીધું હતું. વાંદરાએ એટેક કરતા દિગમ્બરે બૂમાબૂમ કરતા મંદિરમાં ભાગદોડ મચી હતી. લોકો દોડી આવતા વાંદરો ભાગી ગયો હતો. અને દિગમ્બરને 108 માં નવી સિવિલમાં ખસેડાયો હતો.
મહારાષ્ટ્રમાં વાંદરા અને કૂતરાં વચ્ચે ગેંગવોર: વાંદરાઓએ ક્રુર રીતે 250 કૂતરાંને મારી નાંખ્યા, બે વાંદરાની ધરપકડ
ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવમાં વાંદરા અને કૂતરાં વચ્ચે ગેંગવોર થઈ હતી. એક મહિનામાં વાંદરાની ટોળકીએ 250 જેટલાં કૂતરાંને મારી નાંખ્યા હતા. કૂતરાઓને બચાવવા ગયેલા કેટલાક ગામવાસીઓ પણ ઘાયલ થયા છે. આના પછી સક્રિય થયેલા વન વિભાગે હાલમાં બે વાંદરાઓને પકડીને પાંજરે પૂર્યા છે. આ વાંદરાઓને હાલ નાગપુર ખસેડવામાં આવી રહ્યા છે અને તેમને બાદમાં દૂર જંગલમાં છોડી મૂકવામાં આવશે એમ જાણવા મળે છે. હજી બીજા વાંદરાઓને પણ પકડવામાં આવી શકે છે.