SURAT

ભૂંગળા આપવાના બહાને ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી, સુરતની ઘટના


સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં સમાજના જ યુવકે તેના ઘર પાસે રહેતી માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ (A young man molested a 3-year-old girl in Surat) કરી હતી. બાળકીને ભૂંગળા અપાવી બદકામ કરવાના ઇરાદે ઘરમાં લાવી તેણીને નિવસ્ત્ર કરી દીધી હતી. આ દરમિયાન માસુમ બાળકી રડવા લાગી હતી. બીજી બાજુ તેણીની માતા બાળકીને શોધી રહી હતી ત્યારે તેણીને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો તેથી તે દોડીને ત્યાં પહોંચી ગઈ હતી. જેના કારણે આખરે માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી હવસખોરનો શિકાર બનતા બચી ગઈ હતી.

  • પાંડેસરાના વડોદ ગામની ઘટના: ભાડાના મકાનમાં રહેતા યુવકે 3 વર્ષની બાળકીને પોતાના રૂમમાં લઈ જઈ કપડાં ઉતાર્યા
  • બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા ત્યાં દોડી ગઈ, નિ:વસ્ત્ર બાળકીને જોઈને માતા હેબતાઈ ગઈ
  • આસપાસના લોકોએ ભેગા થઈ યુવકને ઝડપી પાડ્યો, માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

પાંડેસરાના વડોદ ગામમાં આવેલા રણછોડ નગરમાં રહેતો 24 વર્ષીય અરવિંદ સંતરામ નિશાદ લુમ્સના ખાતામાં મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રણછોડ નગર માં રૂમ ભાડે રાખી અરવિંદ નિશાદ એકલો જ રહેતો હતો. જો કે આ નરાધમે ગતરોજ બપોરના સમયે તેની જ સોસાયટીમાં રહેતી અને તેના સમાજની માત્ર ત્રણ વર્ષની માસુમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી હતી. ત્રણ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે હવસખોર અરવિંદ બાળકી પાસે ગયો હતો અને તેણીને ભૂંગળા આપવાની લાલચ આપી તેનો હાથ પકડી દુકાન પાસે લઈ ગયો હતો. જ્યાં માસૂમ બાળકીને ભૂંગળા અપાવ્યા બાદ પોતાની રૂમ પર લઈ ગયો હતો.

નરાધમે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દઇ બાળકીના તમામ કપડાં ઉતારી તેણીને નિવસ્ર કરી દીધી હતી. જેના કારણે માસુમ બાળકી રડવા લાગી હતી. આ દરમિયાન તેણીની માતા તેને શોધતા શોધતા અચાનક ત્યાં આવી ગઇ હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી માતાએ અરવિંદની રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને અંદરનું દ્રશ્ય જોતા જ તેની માતાના પગ તળેથી જમીન ઘસી ગઇ હોય તેવી હાલત થઇ ગઇ હતી. આ દરમિયાન ફળિયાના લોકો પણ ત્યાં દોડી આવતા તેઓએ અરવિંદને ઝડપી પાડ્યો હતો. બનાવને પગલે આખરે માસુમ બાળકીના પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં અરવિંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top