SURAT

સુરતમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, થારથી 3ને ઉડાવ્યા

સુરતઃ સુરત શહેરમાં ફરી એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. મોટાવરાછા વિસ્તારમાં અબ્રામા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી, જ્યાં એક નબીરાએ પૂરપાટ ઝડપે થાર કાર ચલાવી તબાહી મચાવી હતી. આ ઘટનામાં એક બાળકી અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે.

  • કારમાં લાઉડ મ્યુઝિક ચાલુ હતું અને પાછળ બેસેલો વ્યક્તિ ડાન્સ કરી રહ્યો હતો
  • વિડિયો ઉતારવા પ્રયાસ કરતા એક રાહદારીને પણ કચડી નાખવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે GJ14BD7692 નંબરની થાર કાર અબ્રામા ચાર રસ્તાથી ઝડપભેર પસાર થઈ હતી. કારમાં લાઉડ મ્યુઝિક ચાલુ હતું અને પાછળ બેસેલો વ્યક્તિ ડાન્સ કરી રહ્યો હતો. ઝડપના કારણે કાર ચાલકે મોપેડને ટક્કર મારી હતી. મોપેડ પર સવાર મહિલા અને તેની બાળકી નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બાદ કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો અને આ સમયે પણ અન્ય બે બાઇકને ટક્કર મારી. અહીં સુધી કે, અકસ્માતનો વિડિયો કે ફોટો ઉતારવા પ્રયાસ કરતા એક રાહદારીને પણ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી આસપાસના લોકો ભયભીત થઈ ગયા અને રસ્તા પર ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાની જાણ થતાં ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. હાલ પોલીસ દ્વારા થાર કારના નંબર GJ14BD7692 પરથી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

સુરતમાં હિટએન્ડ રનની ઘટનાઓ ભવિષ્ય માટે ચિંતાજનક
સુરતમાં હિટ એન્ડ રનની ઘટના નવી નથી. થોડા સમય પહેલા આઉટર રિંગ રોડ પર થયેલા કીર્તન ડાખરા કેસમાં બે ભાઈઓએ જીવ ગુમાવ્યો હતો. આકરા નિયમો હોવા છતાં આવા નબીરાઓના બેદરકારીભર્યા કૃત્યો પરિણામે નિર્દોષ લોકોના જીવને ખતરો ઊભો થાય છે.

Most Popular

To Top