SURAT

વરાછાના યુવકે સસ્તામાં હીરા અપાવવાનું કહી મુંબઈના એસ્ટેટ બ્રોકર પાસે રૂપિયા પડાવ્યા

સુરત : મુંબઈના એસ્ટેટ બ્રોકર સસ્તામાં હીરા ખરીદવાના ચક્કરમાં સુરત આવ્યા બાદ ઠગબાજોની વાતમાં આવી ગયો હતો. અને ઈવીવીઆઈએસ ક્વોલીટીના બે હીરા સસ્તામાં આપવાને બહાને રોકડ તેમજ ઓનલાઈન મળી 21.50 લાખ પડાવી લીધા બાદ હીરા કે પૈસા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.

  • મુંબઈના એસ્ટેટ બ્રોકરે સસ્તામાં હીરા ખરીદવાના ચક્કરમાં 21.50 લાખ ગુમાવ્યા
  • ઠગબાજોએ ઈવીવીઆઈએસ ક્વોલીટીના બે હીરા સસ્તામાં આપવાને બહાને રોકડ તેમજ ઓનલાઈન પૈસા પડાવી લીધા

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈ કાંદીવલી વેસ્ટમાં ગીરીરાજ હાઈટ્સમાં રહેતા 49 વર્ષીય નટવરભાઈ પ્રભુદાસભાઈ રાયચુરા મૂળ સાવરકુંડલાના મોટા આંકડીયા ગામના વતની છે. તેઓ મલાડ એસ.વી.રોડ હનુમાન મંદિરની સામે બિઝનેશ ક્લાસીક બિલ્ડિંગમાં ઓફિસ નં-૩૦૬માં રૂદ્રા ગૃ નામથી પ્રોપટી લે-વેચનો ધંધો કરે છે.

એક મહિના પહેલા ઓળખીતા પ્રોપર્ટી દલાલ સુરેશ રાદડીયાએ સુરતમાંથી સસ્તા ભાવમાં હિરા આપવાની વાત કરી હતી. બાદમાં તેઓએ હીરા ખરીદવાનું નક્કી કરી ગત 20 માર્ચે સુરત આવ્યા હતા. સુરત બસ સ્ટેશન પાસે આવેલા લોર્ડ પ્લાઝા હોટલમાં રોકાયા હતા. ત્યાં સુરેશ મળવા માટે આવ્યો હતો અને તેના ઓળખીતા નાથુ પાઘડાળનો હિરા લે-વેચનું કામ કરતો ભાણેજ પ્રદિપ સસ્તા ભાવે હીરા આપશે. તેવુ કહી 21 માર્ચના રોજ પ્રદિપ છગન સતાણી (રહે, વૈભવલક્ષ્મી રેસીડેન્સી મોટા વરાછા), મેહુલ વિનુ રીબડીયા (રહે, દિપ રો-હાઉસ પાસોદ્રા કઠોદરા) અને નથુ પાઘડળ સાથે મુલાકાત કરાવી હતી.

બંનેએ નટવરને તમારે જેટલા હીરા ખરીદી કરવા હોય એટલા હીરા સસ્તા ભાવે આપવાની વાત કરી હતી. અને 65 ટકા પેમેન્ટ વ્હાઈટમાં આપવાની વાત થઈ હતી. બંનેની વાતો સાંભળીને નટવરને તેમની ઉપર વિશ્વાસ આવ્યો હતો. બીજા દિવસે મેહુલે પોતાના હીરા લે વેચની ઓફિસ ખરીદવાની હોવાનું કહી એક લાખ માંગ્યા હતા. અને આ પૈસા હીરામાં બાદ કરી દેવાનું કહ્યું હતું.

23 માર્ચે ફોન કરી સસ્તા ભાવે હીરા વેચાણ કરવાના છે. પાર્ટીને ટોકન પેટે 50 હજાર આપવા પડશે કહી મેહુલે તેના પત્નીના ખાતામાંથી ટ્રાન્સફર કરાવી પેમન્ટ ગ્લોરીયસ ડાયમંડ કંપનીમાં ટોકન પેટે આપ્યા હોવાનુ કહી કંપનીના માલિક ખુશાલ સાથે વાત કરાવી હતી. બાદમાં ત્રણેયએ નટવરભાઈને એક હીરો 1.7 કેરેટનો વીવીએસઆઈ ક્વોલીટીનો તથા બીજો 1.50 કેરેટનો ઈવીવીઆઈએસ ક્વોલીટીનો હોવાનું અને બંને હીરા 21.50 લાખમાં આપવાનું કહ્યું હતું. અને ટોકન પેટે 6.50 લાખ કેશ તેમજ બાકીના બેન્ક મારફતે મેળવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપીઓએ હીરા કે પૈસા પરત નહીં આપી છેતરપિંડી કરતા પ્રદિપ સતાણી, મેહુલ રીબડીયા અને ખુશાલ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top