SURAT

14 દિવસ પહેલાં મહાકુંભમાં ડુબેલા સુરતના યુવકનો હજુ સુધી પત્તો નહીં, પરિવારે બેસણું પણ કરી નાંખ્યું

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 65 કરોડથી વધઉ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી હતી. દરમિયાન કેટલીક દુ:ખદ ઘટનાઓ પણ બની હતી. હવે સમાચાર સામે આવ્યા છે કે, સુરતના કતારગામમાં વિસ્તારમાં રહેતો એક યુવક ત્રિવેણી સંગમમાં ડુબી ગયો છે.

કમલેશ વઘાસિયા નામનો આ યુવક છેલ્લા ઘણાં દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે. ગઈ તા. 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે, 14 દિવસથી યુવકની ભાળ ન મળતાં પરિવારજનો દ્વારા તેનું બેસણું પણ કરી નાખ્યું છે.

કમલેશ વઘાસિયા કતારગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતો હતો. 32 વર્ષીય કમલેશ વઘાસિયા તેની સાથે કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ગયો હતો. બંને સહકર્મચારી મિત્રો ગઈ તા. 12મી ફેબ્રુઆરીએ શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા હતા. ત્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશ અને તેના મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું.

બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વીડિયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલાં કમલેશે ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યો હતો. તે ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદ ગુમ થઈ ગયો હતો. અક્ષયે નજીકમાં ઊભેલા પોલીસકર્મીને જાણ કરી હતી.

ત્યાર બાદ પ્રયાગરાજની ફાયર અને NDRFની ટીમને જાણ કરાઈ હતી. ફાયર અને એનડીઆરએફની ટીમે કમલેશની શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે જાણ થતાં કમલેશના પરિવારજનો પ્રયાગરાજ દોડી ગયા હતા. જોકે, તે ઘટનાને 14 દિવસ વીતી ગયા બાદ હજુ સુધી કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી. હાલ પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરી દેવાયું છે.

Most Popular

To Top