સુરત: પરવટ પાટિયા તેરાપંથ ભવનમાં સંવત્સરી નિમિત્તે પ્રતિક્રમણ કરી ઘરે પરત ફરતા પુણા ગામનાં યુવકનું અચાનક મોત થયું હોવાની વિગતો સાંપડી છે.
સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અશ્વિન ધીસુલાલ જૈન (ઉં.વ.36) હાલ પુણાગામ સન રેસિડેન્સી ખાતે પત્ની અને બે સંતાન સાથે રહેતા હતા. અશ્વિન ભેસ્તાન વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
જૈન સમાજનાં પર્યુષણ ચાલી રહ્યાં હતાં, જેમાં સંવત્સરી નિમિત્તે અશ્વિને નોકરી પર રજા રાખી હતી. જેથી અશ્વિન મંગળવારે સાંજે સંવત્સરી નિમિત્તે પરવટ પાટિયા તેરાપંથ ભવનમાં પ્રતિક્રમણ માટે ગયા હતા. પ્રતિક્રમણ દરમિયાન અશ્વિનને અચાનક પસીનો થવા લાગ્યો અને તબિયત બગડતાં અશ્વિન તેરાપંથ ભવનથી કોઈ અજાણ્યા વાહનચાલક પાસેથી લિફ્ટ માંગી ઘરે જવા નીકળ્યો હતો.
એ દરમિયાન આઈમાતા ચોક પાસે રસ્તામાં અશ્વિન બાઇક પરથી નીચે પડી ગયો હતો. રાહદારીઓએ 108ને ફોન કરી અશ્વિનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ અશ્વિનને મૃત જાહેર કર્યો હતો. અશ્વિનનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું સ્મીમેર હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું. અશ્વિને કોરોના વેક્સિનના ડોઝ લીધા હતા.
નોઈડા એલજી કંપનીના પ્રોડક્ટ મેનેજરનું સુરતની હોટલમાં હાર્ટએટેકથી મોત
સુરત: કંપનીના કામથી સુરત આવેલાં નોઈડા ખાતેની એલ.જી કંપનીના પ્રોડક્ટ મેનેજરનું સુરતની એક હોટલમાં હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશ ઇન્દોરમાં આવેલા અનુપનગર ખાતે મનીષ રમેશચંદ્ર મોંગિયા (45 વર્ષ) પરિવાર સાથે રહેતા હતા. મનીષ નોઈડા ખાતેની એલ.જી કંપનીમાં પ્રોડક્ટ મેનેજર હતા. મંગળવારે મનીષ કંપનીનાં કામથી સુરત આવ્યા હતા અને અઠવાલાઈન્સ અંબિકા નિકેતન મંદિર પાસે આવેલ હોટલમાં રોકાયા હતા.
બુધવારે સવારે હોટલમાં હાઉસ કીપિંગ તરીકે કામ કરતા કર્મચારીએ મનીષનાં રૂમની બેલ વગાડી હતી. પરંતુ રૂમમાંથી જવાબ નહિ મળતાં હોટલના કર્મચારીએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સાથે રૂમ ખોલી જોતા મનીષ મોંગિયા બાથરૂમમાં બેહોશ મળી આવ્યા હતા. તાત્કાલિક નવી સિવિલ હોસ્પિ.માં લઈ જવામાં આવતાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમરા પોલીસે ઇન્દોરમાં મનીષનાં પરિવારને જાણ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. ઉમરા પોલીસે જણાવ્યું હતું કે મનીષનું હાર્ટ એટેકથી મોત થયું છે.