વલસાડ : વલસાડ (Valsad) નજીકના લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી (GujaratExpressTrain) લગ્નપ્રસંગના (Wedding) કપડાં લેવા જઈ રહેલો એક યુવાન નીચે પટકાતા તાત્કાલિક રાહદારીઓ તથા પરિવારજનોએ ટ્રેનની (Train) ચેનપુલિંગ કરીને ટ્રેન અટકાવી યુવાનને સારવાર અર્થે 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીલાડમાં પ્રીતેશ હરેશ પ્રજાપતિ (ઉંવ.23) તેના પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી ભીલાડ રેલ્વે સ્ટેશન પરથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પરિવાર સાથે કપડાં લેવા માટે જઈ રહ્યો હતો. ટ્રેન બીલીમોરા તરફ જઈ રહી હતી.
તે દરમ્યાન લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ટ્રેનના દરવાજા પાસે બેઠેલા પ્રીતેશને ચાલુ ટ્રેને ધક્કો લાગતા તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રેનમાં સવાર અન્ય રાહદારીઓ તથા તે પરિવારના સભ્યોને થતા તાત્કાલિક ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવી દીધી હતી.
પ્રીતેશની માતા અને પરિવારના સભ્યો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રીતેશને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ 500 મીટર સુધી પ્રીતેશને હાર્ડ બોર્ડ ઉપર ઉંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. ત્યાંથી 108ની ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર ચાલુ કરીને પ્રીતેશ પ્રજાપતિને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટના અંગે વલસાડ GRPની ટીમને જાણ થતાં GRPની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચની ભૂખી ખાડીના બ્રિજ પર મોપેડ સવાર માતા-પુત્રને અકસ્માત, માતા પર ટ્રક ફરી વળતા મોત
ભરૂચ: ભરૂચના મકતમપુર ખાતે રહેતા ઇમરાન યુનુસ પટેલ મોપેડ પર તેમની માતા સાથે કરજણ સંબંધીના ઘરેથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. વરેડિયા હાઇવે ભૂખી બ્રિજ ઉપર અચાનક ટ્રક પાછળથી ધસી આવી મોપેડને અડફેટે લેતાં પાછળ બેઠેલ હમીદા મુલતાની ટ્રકના તોતિંગ ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોપેડચાલક પુત્રને ઇજા સાથે બચાવ થયો હતો.
બનાવની જાણ 108 તેમજ પાલેજ પોલીસને કરતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પાલેજ સામૂહિક આરોગ્ય ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ-વડોદરાને જોડતા નેશનલ હાઇવે ઉપર વરેડિયા ગામ પાસે ભૂખી ખાડીનો બ્રિજ આવેલો છે. આ પુલ માત્ર બે લેનનો હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. ત્રણ લેનમાં પૂરઝડપે આવતાં વાહનો અચાનક થતી બે લેનના કારણે અટવાઇ જતાં હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અગાઉ પણ અનેક લોકોએ ભૂખી ખાડીના સાંકડા પુલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.