SURAT

રાંદેરમાં 15માં માળેથી નીચે પડતાં યુવકનું મોત, સોલાર પેનલ ફીટ કરવા ચઢ્યો હતો

શહેરના રાંદેર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવકનું 15 માળથી નીચે પડતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. યુવક સોલાર પેનલ ફીટ કરવા માટે એપાર્ટમેન્ટની ટેરેસ પર ચઢ્યો હતો. આ કામગીરી દરમિયાન 21 વર્ષીય યુવક નીચે પટકાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઉતરાખંડનો વતની અને હાલમાં સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતો 21 વર્ષીય રોહિત કુમાર સર્વજીત યાદવ છેલ્લા ત્રણ વર્ષથી સોલાર કંપનીમાં સોલાર લગાવવાનું કરતો હતો. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને બે બહેન છે. જે વતન ખાતે રહે છે. સુરતમાં રોહિત છેલ્લા 5 વર્ષથી મિત્રો સાથે રહેતો હતો.

રોહિત રાંદેર સ્થિત વેરીબી એપાર્ટમેન્ટના બી ટાવરમાં પંદરમાં માળે ટેરેસ પર સોલાર પેનલ ફીટીંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમ્યાન અકસ્માતે તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. ગંભીર ઈજાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રોહિતના માતા-પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે, જેને પગલે અમદાવાદ ખાતે રહેતા માસાને જાણ થતા સુરત દોડી આવ્યા હતા. તેમને આ બાબતે વધુ કઈ જાણ ન હોવા અંગે જણાવ્યું હતું.

Most Popular

To Top