સુરતઃ છેલ્લાં કેટલાંય દિવસથી શહેરમાં ખાડા ખૂબ વધી ગયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ ખાડા ક્યારેક જીવલેણ બનશે તેવી બૂમો ઉઠી હતી તે પણ તંત્રએ કાને ધરી નહોતી. ત્યારે અમરોલી વિસ્તારમાં એક યુવકે ખાડાના લીધે જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાના લીધે બાઈક સ્લીપ થતા ત્રણ યુવકો નીચે પડ્યા હતા. ત્યારે પાછળથી આવતું કન્ટેઈનર તેમની પર ચઢી ગયું હતું. એક યુવકનું આ કમકમાટીભર્યા અકસ્માતમાં મોત નિપજ્યું હતું. અન્ય બે ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અમરોલી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી માહિતી અનુસાર 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલનું મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે શંભુનાથ વિકાસભાઈ જાંબુકિયા સાથે ઓલપાડના માસમાં ગામ ખાતે કડિયાકામ કરી રહ્યો હતો. સવારે 9:00 વાગ્યે કામ પર જતો અને સાંજે 6:00 વાગ્યે પરત આવતો હતો. દરમિયાન ગઈકાલે વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો. સાંજના સમયે વિકાસ પોતાની બાઈક પર શંભુનાથ અને અન્ય એક સોનું નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો.
ત્રણેય માસમા ગામથી જહાંગીર વરિયાવ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જહાંગીરપુરાથી અમરોલી તરફ આવતા ડીડી સ્પોર્ટ્સ સર્કલ પાસે પહોંચતાં અચાનક ખાડો આવતાં એમાં બાઈકનું ટાયર આવી જતાં ત્રણેય રોડ પર પટકાયા હતા. દરમિયાન પાછળથી આવતા એક કન્ટેનરનાં પૈડાં ત્રણેય પર ચડી ગયાં હતાં. એમાં શંભુનાથના માથે ટાયર ફરી મળતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
હાલ તો આ મામલે વિકાસ દ્વારા કન્ટેનરના ડ્રાઇવર બેચેન પાછુ યાદવ સામે અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જોકે આ સમગ્ર ઘટના ખાડાને કારણે બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ જવા પામી છે. હાલ તો આ બાબતે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.