સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) વિસ્તારમાં આજે રહસ્યમય સંજોગોમાં એક યુવકનું મોત (YoungManDeath) થયું છે. નવી બંધાતી બિલ્ડિંગના પાંચમાં માળેથી નીચે પટકાઈને યુવકનું મોત થયું છે. આ યુવકનું અકસ્માત મોત થયું છે કે તેણે આપઘાત કર્યો છે તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
- મૂળ બિહારના વતની શહજાદ અહમદનું રહસ્યમયી મોત
- પ્લમ્બર તરીકે કામ કરતા બિહારી યુવકના મોતથી ચકચાર
- ડુમસમાં નવી બંધાતી અવધ હેલિટેર બિલ્ડિંગથી નીચે પડ્યો
- મિત્રને પાણી લેવા મોકલ્યા બાદ ઘટના બનતા રહસ્ય સર્જાયું
- શહજાદે આપઘાત કર્યો કે તેનું અકસ્માત મોત થયો તે પ્રશ્ન ઉઠ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને હાલમાં વરાછાના ફુલવાડી વિસ્તારમાં રહેતો 28 વર્ષીય શાહજાદ અહમદ છેલ્લાં કેટલાંક સમયથી સુરતમાં રહેતો હતો. તે સુરતમાં પ્લમ્બર તરીકે કામ કરી રોજગારી મેળવતો હતો. સુરતમાં સાથી મિત્ર સાથે તે ભાડાની રૂમમાં રહેતો હતો.
દરમિયાન આજે સવારે શાહજાદ ડુમસ રોડ એરપોર્ટ પાસે આવેલા અવધ હેલીટેર નામની નવી બંધાતી બિલ્ડિંગમાં કામ કરવા ગયો હતો. તે પાંચમા માળ પર કામ કરી રહ્યો હતો. કામ કરતી વખતે તરસ લાગતા શાહજાદે પોતાના મિત્ર ફેઝાનને પાણી લેવા નીચે મોકલ્યો હતો. ફેઝાન નીચે ગયો ત્યાર બાદ શાહજાદ પાંચમા માળેથી નીચે પડી ગયો હતો.
અચાનક શાહજાદ નીચે પડતા બાંધકામ સાઈટ પર દોડધામ મચી ગઈ હતી. સાથી કામદારો દોડી ગયા હતા. 108 એમ્બ્યુલન્સમાં શાહજાદને નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ શાહજાદનું મોત થયું હતું.
શાહજાદ પાંચમા માળેથી નીચે પડ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. તેથી શાહજાદે આત્મહત્યા કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.