SURAT

CCTV: સુરતમાં સદ્દગુરુ ટ્રાવેલર્સની બસના ડ્રાઈવરે બાઈક ચાલકને કચડ્યો

સુરત: સુરતના (Surat) હીરા બાગ વિસ્તારમાં હીટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની છે. બાઈક ચાલક યુવકને ટક્કર મારી કચડી (Bus Accident with Bike) મોતને ઘાટ ઉતારી ખાનગી લક્ઝરી બસનો ડ્રાઈવર ભાગી છૂટ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીની મદદથી બસ ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

  • હીરાબાગ સર્કલ પર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે બાઈક ચાલક યુવકને અડફેટે લીધો
  • માથા અને પેટના ભાગે ગંભીર ઈજા થતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન સ્મીમેરમાં મોત
  • અશ્વિનીકુમાર રોડ પર રહેતા મૃતક શૈલેષ રાઠોડના પરિવારજનોએ ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ભાગેડૂ બસ ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી

સુરત શહેરમાં હવે ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે. તેમાંય પીક અવર્સમાં ભારે વાહનોની અવરજવર ચિંતાજનક હદે વધી છે. તેથી જ શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના સોમવારે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં સુરતના હીરાબાગ સર્કલ પાસે બની હતી. અહીં હીટ એન્ડ રનની સનસનીખેજ ઘટના બની હતી. આ ઘટનામાં એક ખાનગી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. બસની સ્પીડ એટલી બધી હતી કે યુવકને માથા, કમર અને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ બસ ચાલક રોકાયો નહોતો અને તેની મસ્તીમાં ફૂલસ્પીડમાં બસ દોડાવી મુકી હતી. બીજી તરફ અકસ્માત થતાં યુવકની આસપાસ ટોળું ભેગું થયું હતું અને 108ને ફોન કરી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન કમનસીબ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે મૃત્યુ પામનાર બાઈક ચાલક યુવકનું નામ શૈલેષ મધુભાઈ રાઠોડ હતું અને તે પરિવાર સાથે અશ્વિનીકુમાર રોડ પાસે રહેતો હતો. સોમવારની રાત્રે તે હીરાબાગ મહાદેવના મંદિર પાસેથી પોતાની બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતી ખાનગી બસના ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શૈલેષના માથાના પાછળના ભાગે તથા ડાબા પગના ઘુંટણના ભાગે ઉપરાંત પેટ અને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. 108માં શૈલેષને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

અકસ્માત કરનાર બસ સદ્દગુરુ શિવમ ટ્રાવેર્લ્સની હોવાનું તપાસમાં ખૂલ્યું
હીટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શૈલેષના સસરા મનસુખ સોલંકીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે. અકસ્માત કરનાર બસ (GJ-05-BX-4422) સદ્દગુરુ શિવમ ટ્રાવેર્લ્સની હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. ડ્રાઈવરનું નામ હજુ બહાર આવ્યું નથી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર રાઠોડ આ કેસની તપાસ કરી રહ્યાં છે.

Most Popular

To Top