સુરત(Surat): આજે બુધવારે સવારે શહેરના કિરણ હોસ્પિટલની (Kiran Hospital) સામે ગોઝારી ઘટના બની હતી. મોપેડ પર નોકરી પર જતી મહિલાને સુરત મનપાના (SMC) ડમ્પર ચાલકે અડફેટે (Accident) લીધી હતી. ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે મહિલાને હોસ્પિટલમાં લઈ જવાનો પણ સમય મળ્યો ન હતો. રસ્તા પર જ મહિલાનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાને પગલે રાહદારીઓ અને વાહનચાલકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ડમ્પર ચાલકને ઉતારીને મારવા લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો સુરત મનપાના તંત્ર પર ફીટકાર વરસાવી રહ્યાં છે.
સુરત મનપા હેઠળના વાહનોના ડ્રાઈવરો શહેરના રસ્તા પર બેફામ ગતિથી વાહનો હંકારતા હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી રહે છે. બાપીકો રસ્તો હોય તેમ ડ્રાઈવરો વાહન હંકારી લોકોને અવારનવાર અડફેટે લેતા હોય છે. સિટી બસ અને ડમ્પરના ચાલકો અનેક લોકોને પોતાના વાહનના કાળમુખા પૈંડા નીચે કચડી યમધામ પહોંચાડી ચૂક્યા છે.
થોડા સમય પહેલાં સુરત મનપા દ્વારા સિટી બસની સ્પીડ લિમીટ નક્કી કરાઈ હતી. બસોમાં કેમેરા મુકવામાં આવ્યા હતા, જેના લીધે થોડા ઘણે અંશે બસ દ્વારા થતાં અકસ્માતો કાબુમાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે, પરંતુ ડમ્પર ચાલકોની ગતિ પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. ડમ્પરના ચાલકો ટ્રાફિક વચ્ચે પણ ફૂલસ્પીડમાં ડમ્પર હંકારે છે, જેના લીધે અનેકોવાર અકસ્માત થતા રહે છે.
આજે બુધવારે તા. 27 માર્ચની સવારે પણ આવી જ ઘટના બની હતી. કિરણ હોસ્પિટલની સામે એક ડમ્પરે મોપેડ પર જતી મહિલા મનીષા બારોટને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. લોકોએ ડમ્પર ચાલકને ઉતારી મારવા લીધો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ હવે આ કેસમાં સુરત મનપા શું કરે છે? ડમ્પરની ગતિ કાબુમાં રાખવા કોઈ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું!
રોષે ભરાયેલા લોકોએ પોલીસની પીસીઆરનો ઘેરાવ કર્યો
પોતાના મોપેડ પર નોકરીએ જતી મહિલા મનીષા બારોટનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેથી લોકો રોષે ભરાયા હતા. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસની પીસીઆર વાનનો ઘેરાવ કરી લીધો હતો. ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
દીકરી બની અનાથ
મૃતક મનીષા નિકુંજ બારોટ દિવ્યાંગ અને વિધવા હતા. 45 વર્ષીય મનીષાબેન કતારગામના શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પતિ નિકુંજનું 10 વર્ષ પહેલાં મોત થયું હતું. તેમને 16 વર્ષની એક દીકરી છે. નોકરી કરી દીકરીનો ઉછેર કરતા હતા. દીકરીએ હાલમાં જ ધો. 10ની પરીક્ષા આપી હતી. મનીષાબેન રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. મનીષાબેનનું મોત થતાં 16 વર્ષની દીકરી અનાથ બની છે.