Dakshin Gujarat

મઢીની મહિલાએ ટેલિગ્રામ પર ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં 2.20 લાખ ગુમાવ્યા

બારડોલી: બારડોલીના મઢીની પરિણીતાએ ઇન્સ્ટાગ્રામની રિલ્સ જોતાં જોતાં જાહેરખબરમાં આવેલી નોકરીની ઓફર સ્વીકાર્યા બાદ ટેલિગ્રામ એપ્લિકેશનના વિવિધ ટાસ્ક પૂરા કરવાનો ઓફર આવી હતી. જે ટાસ્ક પૂરા કરી કમાણી કરવાની લાલચમાં મહિલાએ 2.20 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

બારડોલીના મઢી ગામના મંદિર ફળિયામાં રહેતાં મનીષાબેન ઋત્વિકભાઈ ઠાકર (ઉં.વ.29) ઘરકામ કરે છે. ગત તા.13-3-2024ના રોજ તે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ પર રિલ જોતી હતી. તે સમયે જોબની રિલ્સ આવતાં તેણે રિપ્લાય કર્યો હતો. આથી તેના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાવ્ય નામના આઇડી પરથી @viptutor888 પર જોઇન થવા માટે કહેતાં જોઇન થયા બાદ અન્ય લિન્ક મોકલી હતી. જેમાં એમેઝોન નામની લિન્ક ખૂલી હતી અને તેમાં જોબ ઓફર કરી અલગ અલગ પેકેજ પસંદ કરી ટાસ્ક પૂરા કરવા જણાવવામાં આવ્યું હતું. ટાસ્ક પૂરા કરતાં કમિશન મળતું હોવાની લાલચ આપતા શરૂઆતમાં 200 રૂપિયા ટ્રાઈ કરતાં તેણીને 380 રૂપિયા કમિશન મળ્યું હતું. બાદ તેણે ટાસ્ક લેવાનું બંધ કરી દેતાં બે દિવસ બાદ ફરી કાવ્યા નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો અને બીજા લોકોએ મેળવેલા કમિશનના સ્ક્રીનશોર્ટ મોકલી લાલચ આપી હતી. આથી આ લાલચમાં આવી મનીષાબેને 500 રૂપિયાવાળો પ્લાન પસંદ કર્યો હતો, જેમાં 6 ટાસ્ક પૂરા કરવાના હતા.

ટાસ્ક પૂરા કરવા માટે તેણીએ તેના એચડીએફસી બેન્ક ખાતામાંથી અનુક્રમે 1000, 11590, 14858, 42000, 13000 અને 39600 રૂપિયા મળી કુલ 1,22,048 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેનું કમિશન મળ્યું ન હતું અને કમિશન મેળવવા માટે 40 હજારનું ટોપઅપ કરાવવાનું જણાવતા વધુ 40 હજાર જમા કરાવ્યા હતા. તેમ છતાં કમિશન જમા થયું ન હતું અને તેમણે 162048 રૂપિયા પરત આપવા કહેતાં ટીડીએસ જમા કરવા જણાવ્યું હતું, મનીષાએ 57262.9 રૂપિયા ટીડીએસ પણ જમા કરાવી દીધું હતું. પરંતુ તેમના ખાતામાં કમિશન સાથેની પૂરી રકમ જમા થઈ ન હોય આ અંગે સાઇબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. તેમના કુલ 220010.09 રૂપિયા ફસાઈ ગયા હતા. મનીષાએ બુધવારે બે અજાણ્યા સામે ફરિયાદ કરતાં બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top