રાજકોટઃ દેશભરમાં આજે ૨૬મી જાન્યુઆરીના રોજ દેશના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં એક કોઈ પણ દેશપ્રેમીને ગમે નહીં તેવી ઘટના બની ગઈ છે. અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. પોલીસ કર્મીઓ દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે એક મહિલા કોન્સ્ટેબલ સાથે ઘટના બની હતી. ખરેખર બન્યું એવું કે મહિલા કોન્સ્ટેબલ બાઈક પર સ્ટંટ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ બાઈક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજકોટ પોલીસ શરમમાં મુકાઈ હતી.
આજે સવારથી દેશભરમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે પોલીસ કર્મીઓ દ્વારા કરતબો કરવામાં આવી રહ્યાં હતાં. આવા જ એક સ્ટંટ દરમિયાન મહિલા કોન્સ્ટેબલનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ પડી ગયા હતા. તરત જ અન્ય પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને મહિલા કોન્સ્ટેબલને મદદ કરી હતી. સદ્દનસીબે મહિલા કોન્સ્ટેબલને કોઈ ઈજા થઈ નહોતી. તમને જણાવી દઈએ કે છેલ્લે પાલનપુરમાં ૨૦૧૯માં સ્ટંટ દરમિયાન એક બાઈક સ્લીપ થઈ હતી ત્યારે ૮ લોકોને ઈજા થઈ હતી.
ક્ષત્રિય સમાજની મહિલાઓની તલવારબાજીએ મન મોહી લીધા
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની તલવારબાજીએ લોકોના મન મોહી લીધા હતા. આ ઉપરાંત આ ઉજવણીમાં પોલીસ પરિવારના બાળકોએ પણ ભાગ લીધો હતો. બાળકો દેશભક્તિના રંગે રંગાયા હતા. રાજકોટના ચૌધરી મેદાન ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. અહીં ધ્વજવંદન, રાષ્ટ્રગાન બાદ હોમગાર્ડ, એનસીસી ગર્લ્સ પ્લાટુનની સલામી કરાઈ હતી. પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ પણ કરવામાં આવી હતી. સ્કૂલના બાળકોએ દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. પોલીસ પરેડથી ઉપસ્થિત લોકો પ્રભાવિત થયા હતા. પોલીસ પરેડનું જાતે પોલીસ કમિશનરે નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું કે, રાજકોટનું યુવા ધન ડ્રગ્સની બદીમાંથી મુક્ત થાય તેવી અમારી ઈચ્છા છે. તે માટે રાજકોટની પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે.