આખા દેશમાં અવારનવાર જુદા જુદા કથાકારો એક સપ્તાહ કથા કરવાના હોય તેવાં આયોજનો થતાં રહે છે. એક સપ્તાહ સુધી આ કથાઓ સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક એમ કુલ છ કલાક ચાલતી હોય છે અને કથા શ્રવણ કરવા માનવમેદની ઊમટી પડતી હોય છે. ક્યારેક તો કથા સાંભળવા આવનારાઓની સંખ્યા હજારો કે લાખો જેટલી હોય છે. જે લોકો કથા સાંભળવા આવે છે તેમાંના મોટા ભાગના કિસ્સામાં એ એક સ્ટેટસ સિમ્બોલ જેવું હોય છે.
કથા સાંભળીને પાછા આવતાં હોય અને કોઈક પૂછે ક્યાં જઈ આવ્યા તો જવાબમાં ફલાણા કથાકારની કથા સાંભળવા ગયા હતા તેવું કહીને અત્યંત ગૌરવની લાગણી અનુભવતા હોય છે. હવે હકીકત એવી છે કે કથા સાંભળવા જનારા કથા સાંભળીને કથામાં જે કંઈ કહેવાયું હોય તે કથામાં જે સ્થળે તેઓ બેઠાં હોય ત્યાં જ મૂકીને ઘરભેગા થઇ જતા હોય છે. તેનો અર્થ એવો થાય કે એક સપ્તાહ સુધી દરરોજના છ કલાક લેખે એક અઠવાડિયાના અમૂલ્ય ૪૨ કલાકના સમયનો એક વ્યકિત દીઠ બગાડ થયો. તેવી રીતે આપણા દેશમાં લાખોની સંખ્યામાં ધર્મસ્થાનો અસ્તિત્વ ધરાવે છે.
આ ધર્મસ્થાનોમાં દરરોજ સવારથી સાંજ સુધી મૂર્તિપૂજા થતી રહેતી હોય છે અને ભક્તો આવી મૂર્તિપૂજાના દર્શનાર્થે હજારો – લાખોની સંખ્યામાં ઊમટી પડતાં હોય છે. જરા વિચાર કરો કેટલા માનવકલોકોનો આવા દર્શન કરવા પાછળ બગાડ થાય છે. કમનસીબી એ વાતની છે કે દેશનાં નાગરિકોને આવી રીતે અમૂલ્ય સમયનો જે બગાડ થાય છે તેની ચિંતા જ નથી. બીજું અગત્યનું પરિબળ તે આ બધાં ધર્મસ્થાનો સુધી જવા માટે જુદાં જુદાં વાહનોનો ઉપયોગ કરવો પડે, જેને લીધે કિંમતી ઇંધણ પેટ્રોલ અને ડીઝલનો પણ વ્યર્થ વપરાશ થાય છે. હવે વિચારો કે દેશનો વિકાસ કરવો હોય તો આવી રીતે અમૂલ્ય સમયનો અને કિંમતી ઇંધણનો બગાડ કરીને કેવી રીતે થઈ શકે?
દેશની પ્રજા જ્યાં સુધી સમયનો યથાયોગ્ય ઉપયોગ કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત નહીં કરે તો ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ દેશનો વિકાસ છેટો ને છેટો જ રહેશે. આ બાબતમાં સમજવાની જરૂર દેશની પ્રજાએ છે. સમયના સદુપયોગનું મહત્ત્વ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી વિકાસ થવો અશક્ય છે. સમયની કિંમત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બધું નકામું છે. અમુક વાતમાં એક એક સેકન્ડનું અરે કહો કે સેકન્ડના અમુક ભાગની પણ કિંમત હોય છે તે વાત જેટલી જલદી સમજાય તેટલું સમયની કિંમત સમજવાનું સરળ થઇ જાય.
સુરત – સુરેન્દ્ર દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.