ઇતિહાસના પાત્રો લઇ ફિલ્મ બનાવવાના કેટલાંક જોખમો છે. એ પાત્રો કે તેના ફિલ્મીકરણ વિશે કોઇ વિરોધ કરે તો નિર્માતાઓએ તેમની ઇતિહાસ ફિલ્મના પાત્રો જંગે ચડે તે પહેલા જંગે ચડવું પડે છે. યશરાજ ફિલ્મની ‘જયેશભાઇ જોરદાર’ ત્રણ અઠવાડિયા પહેલા જ રજૂ થઇ અને હવે ‘પૃથ્વીરાજ’ રજૂ થઇ રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે, જે ‘ચાણકય’ સિરીયલથી વિખ્યાત થયેલા અને પછીના વર્ષોમાં ‘મૃત્યુંજય’, ‘એક ઔર મહાભારત’, ‘પિંજર’, ‘ઉપનિષદ ગંગા’ ‘સુરાજય સંહિતા’ (ટી.વી. શ્રેણી) બનાવી ચૂકયા છે. તેમણે ‘મોહલ્લા અસ્સી’ સની દેઓલને લઇને બનાવેલી પણ રજૂ કરવામાં જ પ્રશ્નો ઊભા થયેલા. ‘પૃથ્વીરાજ’ વિશે જો કે કરણી સેના અને પછી અખિલ ભારતીય વીર ગુર્જર મહારાષ્ટ્રે વિરોધ નોંધાવ્યા છે, પણ ભારે ઉહાપોહ મચે એવા વિવાદ નથી.
અક્ષયકુમાર ઘણી બધી ફિલ્મોમાં કામ કરે છે, અને થોડા મહિના પહેલાં જ તેની ‘બચ્ચન પાંડે’ રજૂ થયેલી પણ નિષ્ફળ રહેલી. અત્યારે સાઉથની ફિલ્મો બોકસ ઓફિસ પર જોરદાર દેખાવ કરી રહી છે. ત્યારે અક્ષય પોતાની ફિલ્મ નિષ્ફળ જાય તેવું ન જ ઇચ્છતો હશે. ગમે તેમ પણ તે અત્યંત લેબલ સ્ટાર છે અને અત્યારે પણ તે 11 ફિલ્મોમાં રોકાયેલો છે. આટલી ફિલ્મ અત્યારે કોઇ સ્ટાર પાસે નથી. આમાં થોડી નિષ્ફળ જાય તો અક્ષયને વાંધો ન આવે પણ એમ કરી તે નિર્માતાનું નુકશાન કરે તો તેના સ્ટારડમને નુકશાન જશે. ‘પૃથ્વીરાજ’ તો યશરાજની છે.
અત્યાર પહેલા યશરાજના ફેવરીટમાં શાહરૂખ ખાન રહ્યો છે, પણ અક્ષયે યશરાજની જ ‘ટશન’માં કામ કર્યું છે. યશરાજ ફિલ્મ ઇતિહાસના વિષયો લઇને ફિલ્મો નથી બનાવતો પણ આ વખતે બનાવી છે અને ‘પૃથ્વીરાજ’માં અક્ષય જ કેન્દ્રમાં છે. અલબત્ત સંજય દત્ત, માનુષી છિલ્લર, સોનુ સુદ છે. અક્ષય ઇચ્છશે કે ‘પૃથ્વીરાજ’ બોકસ ઓફિસ પર વિજેતા યોધ્ધો પૂરવાર થાય. કારણ કે આવતા મહિને જ યશરાજની ‘શમશેરા’ આવશે. યશરાજની અન્ય આવી રહેલી ફિલ્મોમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’, ‘મહારાજ’, ‘પઠાણ’ અને ‘ટાઇગર-3’ છે. અક્ષય આ બાબતે પણ દબાણ અનુભવતો જ હશે. મોટા બેનર સાથે સંબંધ ટકી રહે તેવું દરેક સ્ટાર્સ ઇચ્છતા હોય છે.
અલબત્ત, તેની ‘બડે મિયાં છોટે મિયાં’, ‘રામ સેતુ’, ‘ઓ માય ગોડ-2’ પણ આ વર્ષે જ રજૂ થવાની છે. આ દરમ્યાન જ બીજા સ્ટાર્સની મહત્વની ફિલ્મો રજૂ થશે. સફળતા-નિષ્ફળતાના આધારે સ્ટારનું સ્ટેટસ તરત બદલાતું રહે છે. અક્ષયકુમાર આ વિશે ઘણો સાવધ છે અને પૂરી એનર્જી લગાડી કામ કરે છે. પણ તેની ફિલ્મ હમણાં ‘મેજર’નો ય મુકાબલો કરવાનો થશે. ‘પૃથ્વીરાજ’ની વાર્તા જાણીતી છે.
ત્યારે શું નવું કાર્ય હશે? લોકો તેની તુલના ‘RRR’ સાથે કરશે જ. છતાં હિન્દી ફિલ્મના પ્રેક્ષકો અક્ષય પ્રત્યે ખાસ લાગણી ધરાવે છે. આ ફિલ્મમાં ઇતિહાસ, વીરત્વ સાથે સંયુકત રોમાન્સ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રજૂ થવાની છે. જો સાઉથના સ્ટાર હિન્દીમાં ઘૂસે તો હિન્દીના સાઉથમાં કેમ નહીં? ને યશરાજે આ ફિલ્મ સાઉથની પ્રોડકશન સ્ટાઇલ સામે રાખીને બનાવી છે. એટલે જો તમિલ, તેલુગુમાં ફિલ્મ સફળ રહી તો મુકાબલો બરાબરીનો થશે.
ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ 2010માં આ ફિલ્મની પટકથા પૂરી કરેલી. ત્યારે તેમનો ‘પૃથ્વીરાજ’ સની દેઓલ અને સંયુકત ઐશ્વર્યા રાય હતા. યશરાજે 2018માં નિર્માતા બનવાની તૈયારી બતાવી. પછી અક્ષયકુમાર – માનુષી આવી ગયા. આ ફિલ્મ નવેમ્બર 2000માં રજૂ થવાની હતી અને હવે રજૂ થાય છે. પણ વિષય ઐતિહાસિક છે, એટલે વાંધો નહીં આવશે. હમણાંના વર્ષોમાં ઇતિહાસના પાત્રો માટે રણવીર સિંહ વધારે જાણીતો થયો છે. અક્ષયની ઇમેજ આવા પાત્રમાં ફીટ થાય તેવી છે. રણવીર થોડો રો પણ લાગે છે, એવું અક્ષયમાં નથી એટલે હવે જોવાનું રહેશે કે તે બોકસ ઓફીસના યોદ્ધા તરીકે કેવો પૂરવાર થાય છે. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મો રજૂ થયેલી. આ વર્ષની આ બીજી ફિલ્મ છે. જોઇએ શું થાય છે. અક્ષય પાછો પડે એમ નથી. તેની ફિલ્મ જો સાઉથમાં પણ સારો ધંધો કરશે તો ત્યાંના સ્ટાર્સ ઓર મુકાબલામાં આવી જશે. •