સુરત: સુરતનો (Surat) એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. અહીં જાહેર રોડ પર કેટલાંક યુવકો બિયર (Beer) પી નશામાં નાચી રહ્યાં છે. આ યુવકો જન્મદિવસની (Birth Day Celebration On Road) ઉજવણી કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો જહાંગીરાબાદ મેઈન રોડનો હોવાનું કહેવાય છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ છે.
- સુરતમાં જાહેરમાં બિયર પી યુવાનો છાકટા બન્યા
- જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોએ કાયદાના લીરેલીરા ઉડાવ્યા
- સુરતના જહાંગીરાબાદ મેઈન રોડ પર બિયર પાર્ટીનો વીડિયો વાયરલ
- જાહેર માર્ગ પર બિયર પીતા યુવાનોનો વીડિયો વાયરલ થતાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા
સુરત શહેરમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. રાજ્યમાં દારૂ વેચવા, ખરીદવા અને પીવા પર પ્રતિબંધ છે પરંતુ આ કાયદાનું કોઈ પાલન થઈ રહ્યું હોવાનું જણાતું નથી. રાજ્યમાં બેરોકટોક ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય છે. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં રાત્રિના સમયે જાહેર રોડ પર દારૂ પીવાતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોડના કિનારે કેટલાંક યુવકો ભેગા થયા છે, તેઓના હાથમાં બિયરની બોટલ વીડિયોમાં જોઈ શકાય છે. જન્મદિવસની ઉજવણી કરવા માટે ભેગા થયેલા આ યુવકો દારૂના નશામાં નાચીકૂદી રહ્યાં છે. દારૂ પર પ્રતિબંધની ઐસીતૈસી કરીને આ યુવકો ખુલ્લેઆમ જાહેર માર્ગ પર કોઈ પણ બેરોકટોક વિના બિન્ધાસ્ત દારૂ પી જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યાં છે અને યુવકો મોટે મોટેથી મ્યુઝીક વગાડી નાચી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ છે. વીડિયો કયારનો છે તે જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે અગાઉ પણ અનેકોવાર સુરતમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીમાં કાયદાનો ભંગ કરાતો હોવાના બનાવ બન્યા છે. તલવારથી કેક કાપવી, રિવોલ્વરથી ફાયરીંગ કરવાનો ટ્રેન્ડ યુવાનોમાં વધતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ફ્રેન્ડ સર્કલમાં સીનસપાટા કરવા માટે આવા ગતકડાં યુવકો કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. ક્યારેક શોબાજી કરવામાં આવા યુવકો અન્ય નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, તેથી સુરત પોલીસ આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી છે.