સુરત: સુરત મહાનગરપાલિકાનો એક કર્મચારી રૂપિયા લેતો હોવાનો મંગળવારે વીડિયો વાયરલ થયા બાદ બુધવારે આ કર્મચારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ નવા વીડિયોમાં માત્ર ઓડિયો સંભળાય છે, જેમાં કલાર્ક ઉચ્ચ અધિકારી ઝોનલ ચીફ કિનખાબવાલા, સ્થાનિક કોર્પોરેટરો વિશે કેટલીક વાંધાજનક વાતો કરતો હોવાનું સાંભળવા મળે છે. આ નવો વીડિયો વાયરલ થતા સુરત મનપામાં હડકંપ મચી ગયો છે. જે કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે તે આજે નિવૃત્ત થાય છે, પરંતુ તે પહેલાં તે કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે.
આ અગાઉ સોમવારે સુરત મનપાના કર્મચારીનો એક ખાનગી ઓફિસમાંથી રૂપિયા લેતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોતા જણાયું હતું કે એક ઓફિસમાં બેઠેલા વ્યક્તિ પાસેથી સુરત મહાનગરપાલિકાનો કર્મચારી રૂપિયા લેતા હોવાનું દેખાય છે. વીડિયો બાદ વાત ફેલાઈ હતી કે રૂપિયા લેનાર કર્મચારી સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બીમાં ફરજ બજાવતો હતો તેમજ વીડિયો સચીન જીઆઇડીસી વિસ્તારનો હોવાની પણ વાત છે. રૂપિયા લેનારો કર્મચારી નિવૃત થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે, જેથી કોઈએ ચોક્કસ ઇરાદાથી વીડિયો વાયરલ કર્યો હોવાનું પણ પ્રતિત થઈ રહ્યું છે. રૂપિયાની લેવડ દેવડ કયા કારણોથી થાય છે, તેની હજી સુધી કોઈ વાત બહાર આવી નથી.
આ વીડિયો ઉધના ઝોનના આકારણી વિભાગના કલાર્ક ભરત પસ્તાગિયાના હોવાની ચર્ચા છે. પસ્તાગિયા દ્વારા કોઈ ખાનગી ઓફિસમાં જઈ 40 હજારની લાંચ લીધી હોવાની વાત ઉઠી છે. પસ્તાગિયાની નોકરીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આ વીડિયોના લીધે તે મુશ્કેલીમાં મુકાયા છે.
આ વીડિયો તા. 17 મેના રોજ બપોરે 12.54 વાગ્યાની આસપાસનો હોવાનું જણાઈ રહ્યું છે. ઓફિસમાં બેઠેલી વ્યક્તિ 500ની નોટનું એક બંડલ બહાર કાઢી તેમાંથી કેટલીક નોટો કાઢ્યા બાદ પાલિકાના કર્મચારીને સોંપે છે. થોડીવાર આ બંડલ ટેબલ પર પડી રહે છે ત્યાર બાદ મનપાના કલાર્ક તે બંડલ ઉઠાવી પોતાના પેન્ટના ખિસ્સામાં મુકી દે છે. સીસીટીવીમાં કેટલાંક ઠેકાણે વોઈસ મ્યુટ કરાયો છે. આ દરમિયાન કેટલાંક મોટા અધિકારી, નેતાના નામ બોલાયા હોવાની પણ ચર્ચા છે. આ અંગેનો બીજો વીડિયો વાયરલ થયો છે.
આ મામલે ઉધના ઝોનના ચીફ ઝોનલ ઓફિસર હર્ષદ કીનખાબવાલાએ કહ્યું કે, પસ્તાગિયાનો વીડિયો અમારી સામે આવ્યો છે. આ મામલે અમે પસ્તાગિયાને શો કોઝ નોટિસ ફટકારી છે. 40 હજારનો વ્યવહાર થયાની વાત સામે આવી છે. વીડિયો ક્યારનો છે, ક્યાંનો છે તે અંગે તપાસ ચાલી રહી છે.