ઓકસફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ દુનિયાની અરધોઅરધ પ્રજા એવા વિસ્તારોમાં વસે છે જયાં તેઓને આસાનીથી ડેન્ગ્યુની બિમારી લાગુ પડી શકે છે. ભારત તેમાંનો એક પ્રદેશ છે. આપણે ત્યાં યશ ચોપડા જેવા નામી અને સંપન્ન લોકો ડેન્ગ્યુમાં જીવ ખોઇ બેઠા છે. દીવાળી અને આસપાસની ઋતુમાં ડેન્ગ્યુનો વાવર વધુ શરૂ થાય છે, બાકી તો તે કયારેય પણ લાગુ પડી શકે છે. યોગ્ય અને તત્કાળ સારવાર ન મળે તો જીવલેણ પુરવાર થાય છે. સાજા થઇ જવાય તો પણ દર્દીને અનહદ યાતના અને ઘણી વખત લાંબી બેહોશી સહન કરવી પડે છે. બાળકોમાં થાય, પણ વૃધ્ધોને થાય ત્યારે એમની શકિત સાવ ક્ષીણ થઇ જાય. મેલેરિયાના મચ્છરથી જ ડેન્ગ્યુ ફેલાય પણ હમણા ડેન્ગ્યુ મેલેરિયા કરતા વધુ ત્રાસદાયક અને જીવલેણ પુરવાર થઇ રહ્યો છે. જોકે ડેન્ગ્યુ સામે લડવાની મહારત ભારતીય ડોકટરો પામી ગયા છે એટલે અગાઉ હતો એટલો જોખમી નથી.
છેલ્લા બે દશકમાં ડેન્ગ્યુની બિમારી લાગુ પડવાના કિસ્સાઓમાં 8 ગણો વધારો થયો છે. દર વરસે જગતના 40 કરોડ લોકો તેની ચપેટમાં આવે છે. તેમ ઓકસફોર્ડનણો અભ્યાસ કહે છે. મુખ્યત્વે આ વિષૃવૃતિય પ્રદેશો, અર્થાત કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેના પટ્ટામાં થતી બિમારી છે, કારણકે મેલેરિયાના મચ્છર આ પટ્ટામાં જ ફૂલેફાલે છે. આજે પૃથ્વી પર ગરમી વધી રહે છે તેથી વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે ડેન્ગ્યુનો વાઇરસ ફેલાવતાં મચ્છરો વધુ નવા પ્રદેશોમાં પણ ફેલાતા જશે.
અમેરિકા (USA) ના દક્ષિણના પ્રમાણમાં ઓછા ઠંડા ગણાતા પ્રદેશો, ફલોરિડા, લૂઇઝિયાના, ટેકસાસ અને હવાઇમાં તેનો ચેપ હવે જોવા મળી રહ્યો છે.એ જ પ્રમાણે ફ્રાન્સ, ક્રોએશિયા, પોર્ટુગલ જેવા દક્ષિણ યુરોપના દેશોમાં પણ તેનો પ્રાદુર્ભાવ જોવા મળે છે જયાં ગરમીની સાથે સમુદ્રનો ભેજ હોય છે. વરસ 2012 માં પોર્ટુગલના મડેરા ટાપુ ખાતે ડેન્ગ્યુનો વાયરો ફેલાયો તેમાં લગભ 2000 જણને ડેન્ગ્યુ લાગુ પડયો હતો.
સામાન્ય રીતે જે કોઇને ડેન્ગ્યુનો ચેપ લાગુ પડે તે દરેકને અતિ ત્રાસદાયક લક્ષણોનો સામનો કરવો પડતો નથી. મોટા ભાગના લોકોને હળવા ફલુના તાવ માફક લક્ષણો જણાય. અમુકને અચાનક માથાનો દુ:ખાવો સાથે તાવ ચડી આવે. સ્નાયુઓમાં પીડા શરૂ થાય. શરીર પર ચકામા નીકળે પણ સ્નાયુ અને શરીર એટલી હદે દુ:ખે કે આ ડેન્ગ્યુને અમુક પ્રદેશોમાં ‘હાડકાંતોડ’ બીમારી તરીકે ઓળખાવાય છે. જગતમાં દર વરસે 5 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને તેમાંથી લગભગ 20 હજાર દર્દી મરણ પામે છે, જેમાં મુખ્યત્વે બાળકો અને કિશોર-કિશોરીઓ હોય છે.
આ ત્રાસદી સામે રક્ષણ મળે એવી રસી મળી જાય તો? મચ્છરો પર હજી માનવજાતે કાબુ મેળવ્યો નથી. તે દિશામાં સંશોધનો, પ્રયોગો સતત ચાલી રહ્યા છે. એક દિવસ તેમાં પણ કામયાબી મળશે. પરંતુ ડેન્ગ્યુ ફેલાય છે. વાઇરસથી અને તેથી તેને રોકવા માટે વેકિસન શોધી શકાય. લગભગ મોટાભાગના પ્રકારના વાઇરસોના ઇલાજ તરીકે વેકિસન અકસીર ઇલાજ ગણાય છે પણ અમુક વાઇરસો એ પકડમાં પણ જલ્દી આવતા નથી.
છતાં આજથી 7 વરસ અગાઉ જગમશહૂર દવા નિર્માતા કંપની ‘સનોફી’ દ્વારા ડેન્ગ્યુના વાઇરસ સામે લડવા એક રસી તૈયાર કરવામાં આવી હતી. રસી એક મર્યાદા સાથે કામિયાબ રહી જેમને એક વખત ડેન્ગ્યુ લાગુ પડયો હોય એવા લોકોને તે અપાય તો તેઓને બીજી વખત ડેન્ગ્યુ લાગુ ન પડે. રોગ સામે શરીર પોતે પણ એક સરંક્ષણ દિવાલ અથવા મિકેનિઝમ રચતું હોય છે. બીજી વખત વાઇરસનો હૂમલો થાય તો તેની સામે વધુ સારી રીતે લડી શકે છે. કદાચ સનોફીની વેકસિન તે ડિફેન્સ મિકેનિઝમને વધુ મજબૂત બનાવતી હશે, પરંતુ જેમને અગાઉ કયારેય ડેન્ગ્યુ લાગુ પડયો ન હોય તેઓને એ વેકસિન રક્ષણ આપતી ન હતી. સનોફીની વેકસિન કામ કરે તે માટે દર્દીને એક વખત ચેપ લાગ્યો હોય તે જરૂરી છે.
પણ એક નવો જ વિકલ્પ શોધવા જપાનની ‘ટાકેડા ફાર્મા’ કંપની કામે લાગી ગઇ. કંપનીએ ‘કયુડેંગા’ નામની રસી તૈયાર કરી અને ઇન્ડોનેશિયાએ તેને ગયા ઓગસ્ટમાં માન્યતા આપી. બે મહિના પછી ત્યાં તેનું વેચાણ શરૂ થઇ જશે. આ ઓકટોબરમાં યુરોપીઅન યુનિનયનની એડવાઇઝરી પેનલે નિષ્કર્ષ જાહેર કર્યો કયુડેંગા ચાર વરસના બાળકથી લઇને કોઇપણને આપી શકાય અને તે સલામત છે. પરિણામે યુરોપીઅન યુનિનયનના સત્તાધીશો આગામી મહિનાઓમાં રસીને માન્યતા આપશે. આ સિવાય અમેરિકા અને અન્ય દેશોમાં ટોકડાએ માન્યતા પ્રાપ્ત કરવા માટે પ્રોસીજર આદરી છે.
મચ્છર દ્વારા ફેલાતી બિમારીઓ સામે વિજ્ઞાનીઓ અને માનવજાત ક્રમશ: વિજય પ્રાપ્ત કરી રહ્યાં છે. ગયા વરસે ગ્લેકસો સ્મિથ કલાઇન ફાર્મા કંપની અને તેના સહયોગીઓ દ્વારા વિકસિત મેલેરિયાની બીમારી સામેની રસીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી હતી. પરંતુ તેમાં શરત એ છે કે રસી લીધા પછી માત્ર એક વરસ રક્ષણ આપે છે. મોટા ભાગના લોકો વરસ પુરું થાય ત્યારે કાળજી રાખી શોટ લેવા જતા નથી.
જયારે થશે ત્યારે જોયું જવાશે એવું તેમનું વલણ હોય છે. છતાં મેલેરિયાના કેસ ઘટાડવામાં તે ખાસ્સી મદદગાર પુરવાર થશે. આપણે ત્યાં લોકો કોરોનાનો બુસ્ટર ડોઝ (ત્રીજો ડોઝ) લેવા પણ ખાસ ગયા નથી. રોગ મટયો એટલે વૈદ્ય વેરી. પરંતુ ટાકેડાએ શોધેલી રસી ‘ઝિકા’ વાયરસ સામે પણ રક્ષણ આપશે. ઓકસફોર્ડ યુનિવર્સિટી દ્વારા ઝીકા પર પણ આ રસીનું પરિક્ષણ ચાલી રહ્યું છે.
સનોફીસે 7 વરસ અગાઉ જે વેકસિન શોધી હતી તેને ‘ડેંગવેકિસયા’ નામ અપાયું છે. પ્રારંભમાં જ લગભગ 19 દેશોએ તેને માન્યતા આપી હતી. આ વેકિસનના અમુક અનુભવો સારા રહ્યા નથી. જેમકે જેને એક વખત ડેન્ગ્યુ થયો હોય તેના શરીરમાં બરાબર કામ કરે છે. પણ જેમને કયારેય ડેન્ગ્યુનો ચેપ ન લાગ્યો હોય તેમને ‘ડેંગવેકિસયા’ આપ્યા બાદ પણ ચેપ લાગુ પડે, અને ખૂબ જ તીવ્ર અને ભયંકર રીતે લાગુ પડે. વાઇરસોમાં પણ દવા સામે લડી લેવાની એક પ્રકારની મજબૂતી આવી જાય. માટે જેમને કયારેય ડેન્ગ્યુ ન થયો હોય તેમને માટે આ રસી જોખમી પુરવાર થાય છે.
કોરોનાની રસીની અસરકારકતાની માફક ડેન્ગ્યુ પ્રતિરોધક રસીની અસરકારકતા પર પણ વિવાદ રહે છે. કારણકે કોરોના વાઇરસની માફક ડેન્ગ્યુએ પણ અલગ અલગ 4 જાતનાં સ્વભાવ, પ્રકૃતિ અથવા સ્ટ્રેઇન્સ ધારણ કર્યા છે. જો આ ચારેય પ્રકૃતિના વાઇરસોનો નાશ કરી શકે એવી રસી હોય તો જ ડેન્ગ્યુ સામે સંપૂર્ણપણે કારગર પુરવાર થાય. ઘણી વખત દરદીને પ્રથમ વખત જે સ્ટ્રેઇન (પ્રકૃતિ)નો વાઇરસ લાગુ પડયો હોય તે વ્યકિતને બીજી વખત અન્ય પ્રકૃતિના અથવા અલગ પ્રકૃતિના વાઇરસથી ડેન્ગ્યુ લાગુ પડે તો એ તાવ કે બિમારી વધુ ત્રાસદાયક બની શકે છે.
કારણકે પ્રથમ વખત ડેન્ગ્યુ લાગુ પડયો ત્યારે વાઇરસને મારી નાખવા માટે શરીરમાં જે એન્ટીબોડીઝ પેદા થયા હોય તે બીજા ચેપ વખતે નવા સ્ટ્રેઇનના વાયરસને વળગી પડે છે અને શરીરના તંદુરસ્ત કોષોમાં ઘૂસવાનું વાયરસનું કામ આસાન બનાવી દે છે. કોરોના સંકટ બાદ હવે લગભગ બધા જાણે છે કે વાઇરસોનું કામ માનવ શરીર માટે આવશ્યક કોષોને પોતાનો ખોરાક બનાવવાનું હોય છે. વિજ્ઞાનીઓના માનવા પ્રમાણે ‘ડેંગવેકિસયા’ રસીના કેસમાં પણ શરીરમાં આ પ્રકારની ગતિવિધિ સર્જાતી હશે.
ટોકડા ફાર્મા દ્વારા જૂની વેકિસનની આ ખામીઓ દૂર કરવા પર ધ્યાન અપાયું. સેરોટાઇપ ટુ (બે) પ્રકારની રસી ડેવલપ કરવામાં આવી. તે રસીમાં બાકીના ત્રણ પ્રકારના સ્ટ્રેઇન્સના ઘટક ઉમેરવામાં ત્રીજા વિશ્વના અમુક દેશોના 1800 કિશોરો અને નવયુવાનો પર તેના પ્રયોગો કરાયા. પરિણામમાં જણાયું કે રસી લેનારા લોકોમાં 4 વરસ સુધી ડેન્ગ્યુના કોઇપણ પ્રકાર સામે અસરકારક રીતે લડવાની શકિત આવી જાય છે. આ પરિણામોથી ઉત્સાહિત બની એસિયા અને લેટિન અમેરિકાના બીજા વીસ હજાર લોકો પર વેકિસનની અસરકારકતા તપાસવામાં આવી. તેમાં એ પણ જણાયું કે રસી બાદ ડેન્ગ્યુનો ચેપ લાગુ પડે તો પણ ખૂબ હળવો હોય અને 84 ટકા કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. 61 ટકાને રસી લીધા બાદ લાગુ જ પડતો નથી.
રસીને કારણે શરીરને કશું નુકશાન કે આડઅસર પહોંચતાં નથી. જો કે વેકસિન અલગ અલગ વેરીઅન્ટ (પ્રકૃતિ ભિન્નતા) પર અલગ અલગ પ્રમાણમાં અસર કરે છે. કોઇકમાં થોડી ઓછી, તો કોઇકમાં થોડી વધારે. પણ ઓવરઓલ સારું કામ કરે છે. જોકે અમુક વિજ્ઞાનીઓ સાવચેત કરતાં કહે છે કે ‘કયુડેંગા’ની અસર પણ કાળક્રમે ‘ડેંગવેકિસયા’ જેવી થઇ શકે છે. કારણકે વાઇરસો પણ પોતાના રક્ષક માટે નવા સ્ટ્રેટેજિક સ્ટ્રેઇન્સ વિકસાવતા રહે છે. માટે ‘કયુડેંગા’નું મોનિટરિંગ સાવચેતીપૂર્વક થતું રહેવું જોઇએ.