ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના (Uniform Civil code) પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર એક કમિટીની રચના કરી છે, આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતાઓ તપાસશે. આ માટે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિની અધ્યક્ષતા કરશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
કમિટી બનાવાશેઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી
આ સમિતિનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સમાન નાગરિક સંહિતાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ માટે એક સમિતિની રચના કરવાની યોજના છે.
ઉત્તરાખંડની પેટર્ન ગુજરાતમાં અપનાવાશે
જણાવવામાં આવી રહ્યું છે કે આજે કેબિનેટની બેઠકમાં ઉત્તરાખંડની તર્જ પર હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે ગુજરાતના ગૃહમંત્રી બપોરે ત્રણ કલાકે આ અંગે વિસ્તૃત માહિતી આપશે.
જો ગુજરાત સરકારના સૂત્રોનું માનીએ તો ચૂંટણીની તારીખો 1 અથવા 2 નવેમ્બરે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આ પહેલા યુનિફોર્મ સિવિલ કોડનો મોટો હિસ્સો ઘણો મહત્વનો બની શકે છે. આ પહેલા ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર બન્યા બાદ તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.
યુનિફોર્મ સિવિલ કોડ
યુનિફોર્મ સિવિલ કોડ એવો મુદ્દો છે જે હંમેશા ભાજપના એજન્ડામાં રહ્યો છે. 1989ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપે તેના ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સામેલ કર્યો હતો. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતાનો સમાવેશ કર્યો હતો. ભાજપનું માનવું છે કે જ્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ નહીં અપનાવવામાં આવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવી શકે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે
કાયદાની નજરમાં બધા સમાન છે. જ્ઞાતિની પેલે પાર, ધર્મની પેલે પાર અને પછી ભલે તમે સ્ત્રી હો કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે. લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકાર, વારસો પરંતુ સૌથી ઉપર, લિંગ સમાનતા એ કારણ છે કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત અનુભવાઈ છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.