સુરત: શહેરની સૌથી જૂની આઈપી મિશન સ્કૂલના (IP Mission School Surat) ટ્રસ્ટીને (Trustee ) સ્કૂલના કમ્પાઉન્ડની બહાર જ જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સ્કૂલની બાજુમાં કાર સર્વિસ સ્ટેશન ચલાવતા પિતા-પુત્રોએ સામાન્ય બાબતમાં ટ્રસ્ટીને લાકડીના ફટકાથી ઢોર માર માર્યો છે. ઈજાગ્રસ્ત ટ્રસ્ટીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ટ્રસ્ટી દ્વારા હુમલાખોર પિતા-પુત્રો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મુગલીસરા વિસ્તારમાં આવેલી આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં 3 લોકોએ સ્કૂલના ટ્રસ્ટી એડિશન ખાનકર પર જીવલેણ હુમલો કર્યો છે. કાર હટાવવાના મામલે માથાકૂટ થતા ત્રણ જણાએ ખાનકરને માર્યા હોવાની માહિતી બહાર આવી છે. ખાનકરે પોલીસને જણાવ્યા અનુસાર આઈપી મિશન સ્કૂલમાં તેમના સમાજની મિટીંગ યોજવામાં આવી હતી, જે એટેન્ડ કરવા માટે તેઓ સ્કૂલમાં આવ્યા હતા, ત્યારે કમ્પાઉન્ડમાં વચ્ચોવચ્ચ કાર મુકી હતી.
તેથી સ્કૂલની બાજુમાં કાર સર્વિસ સ્ટેશન ચલાવતા સાહિદને કમ્પાઉન્ડમાંથી કાર હટાવવા કહ્યું હતું. જે અંગે ખોટું લાગી જતા સાહિદ તથા તેના બે પુત્રોએ મળી ટ્રસ્ટી એડિશન ખાનકરને મારવાનું શરૂ કરી દીધું હતું. ઢીકમુક્કીનો માર માર્યા બાદ દંડાથી પણ માર્યા હતા.
ટ્રસ્ટી ખાનકરે પોલીસને જણાવ્યું કે, આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડ નજીક સાહિદ નાલબંધ કાર સર્વિસ સ્ટેશન ચલાવે છે, જ્યાં સર્વિસ માટે આવતી કાર તેઓ સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરે છે. અગાઉ એક બે વાર નોટીસ આપી છે. આ મામલે કોર્ટમાં વિવાદ ચાલે છે.
અગાઉ ટ્રસ્ટીએ પોલીસમાં આ મામલે અરજી કરી હતી. તેથી પોલીસે પિતા-પુત્રો સામે અટકાયતી પગલા લીધા હતા. જેની અદાવત રાખી સાહિદ નાલબંધ તેનો પુત્ર સેબાન અને ફૈઝાન નાલબંધે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ટ્રસ્ટીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પિતા-પુત્રો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાના પગલે મિટીગ માટે સ્કૂલમાં ભેગા થયેલા ખાનકરના સમાજના આગેવાનો દોડી આવ્યા હતા. લોક ટોળું ભેગું થઈ ગયું હતું. સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી ખાનકરને છોડાવ્યા હતા. ખાનકર અડાજણમાં રહે છે અને એલઆઈસીનું કામ કરે છે. લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.