સુરત (Surat) : નાઈટ વોક (Night Walk) પર નીકળેલા અમરોલીના (Amroli) ટોબેકોના વેપારીના (Tabaco Trader ) હાથમાંથી મોબાઈલ આંચકીને (Mobile Snatching ) ભાગતા સ્નેચરોની બાઈક સ્લીપ (Bike Sleep) થઈ જતા વેપારીએ બાઈક ચાલકને પકડી તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, મોબાઈલ આંચકી લેનાર ભાગી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલીના ક્રોસ રોડ શોપિંગ સેન્ટરમાં ટોબેકોની શોપ ધરાવતા સમીર યોગેશ પાલેજા (ઉં.વ. 38, રહે. સ્વસ્તિક રો હાઉસ, જુના કોસાડ રોડ, અમરોલી અને મૂળ, ભાયાવદર, તા. ઉપલેટા, જિ. રાજકોટ) ગઈકાલે રવિવારે રાત્રે જમ્યા બાદ મિત્રો હાર્દિક પટેલ, મનસુખ સખપરીયા તથા મનસુખ માલવીયા સાથે નાઈટ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ એ.એલ. ફાર્મ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે સ્નેચરોએ સમીરના હાથમાંથી મોબઈલ આંચકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઈલ ચોરી ભાગનારને પકડવા માટે સમીર પાલેજા બાઈકની પાછળ દોડ્યો હતો ત્યારે ચોર ઈસમોની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. બંને ચોર રસ્તા પર પડ્યા હતા ત્યારે મોબાઈલ આંચકી લેનાર બાઈક પર પાછળ બેઠેલો ચોર ઈસમ ભાગી ગયો હતો, પરંતુ સમીર પાલેજા અને તેના મિત્રોએ બાઈક ચલાવનાર યુવકને પકડી પાડ્યો હતો. તેને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકે પોતાનું નામ મુસ્તફા સલીમ શેખ (રહે. કોસાડ આવાસ એચ-2 બિલ્ડિંગ, અમરોલી) જણાવ્યું હતું. ભાગી જનાર યુવકનું નામ સોહેલ સુલતાન શેખ (રહે. માનદરવાજા, રીંગરોડ)ને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે મોટર સાયકલ (જીજે19બીબી8404)ને કબ્જે લીધી છે.
સરથાણામાં રેડીમેઇડ કપડાનાં શો રૂમ આગ ફાટી નીકળી
સુરત : સરથાણા વિસ્તારમાં નવજીવન હોટલની બાજુમાં જીઇબી ઓફિસ પાસે લક્ષ્મી ફેશન નામની દુકાન આવેલી છે. ગતરોજ મોડીરાત્રે દુકાનનો મલિક દુકાન બંધ કરી ઘરે ગયો હતો અને રાત્રે ૧૨.૨૦ વાગ્યાના અરસામાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હતી. જેથી સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવારા કાપોદ્રા અને કામરેજ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટના સ્થળે રાવણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગ્રેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે માત્ર ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે દુકાનમાં રહેલ નાઈટ ટ્રેક પેન્ટ, જીન્સ, શર્ટ, ટીશર્ટ અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. ફાયરબ્રિગ્રેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.