નવી દિલ્હી: યુપીના (UP) પીલીભીત (Pilibhit) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં જંગલમાંથી (Forest) એક વાઘ (tiger) શિકારની શોધમાં રાતે રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો હતો. અહીં એક મકાનની દિવાલ પર આ વાઘ લગભગ 6 કલાક સુધી ફરતો રહ્યો હતો. વાઘને જોઈ ગ્રામવાસીઓ ગભરાઈ ગયા હતા. ગ્રામજનોએ વાઘનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુપીના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી બહાર આવ્યો અને રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો હતો. જ્યારે લોકોએ તેની સામે જોયું તો તેઓ ચોંકી ગયા હતા. વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે દિવાલ પર આરામ કરતો જોવા મળે છે. આસપાસ ગામલોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળે છે જો કે, દિવાલની ફરતે ફેન્સીંગ કરી દેવામાં આવી હતી. જેથી વાઘ કોઈના પર હુમલો ન કરે.
આ ઘટના પીલીભીતના કાલીનગર તહસીલ વિસ્તારના અટકોનામાં બની હતી. ગઈકાલે સોમવારે રાત્રે લગભગ 1.30-2 વાગ્યાની આસપાસ અહીં એક વાઘ જોવા મળ્યો હતો, ત્યારબાદ લોકો સતર્ક થઈ ગયા હતા. વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. દોરડા, વાયર વગેરેનો ઉપયોગ કરીને વાઘ ધરાવતો વિસ્તાર ઝડપથી સીલ કરવામાં આવ્યો હતો.
બાદમાં ગ્રામજનોએ જોયું કે વાઘ એક ઘરની નજીક દિવાલ પર પડાવ નાંખી રહ્યો હતો. તે લગભગ 6 કલાક સુધી દિવાલ પર રહ્યો હતો. ક્યારેક તે દીવાલ પર સૂઈ જતો તો ક્યારેક તે ફરતો રહેતો. સવાર સુધીમાં સેંકડો લોકો તેને જોવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. ઘણા લોકોએ તેમના ઘરની છત પરથી વાઘનો વીડિયો જોયો. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ નજીકમાં જોવા મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે વન વિભાગની ટીમ વાઘને બચાવવા પ્રયાસ કરી રહી છે.પરંતુ વાઘની આસપાસ આવા લોકોનું એકત્ર થવું જોખમી સાબિત થઈ શકે છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વાઘ ગામમાં ઘૂસ્યો હોય. પીલીભીતના ગામડાઓમાં વાઘ વારંવાર ઘુસી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં આસપાસના વિસ્તારના સેંકડો ગ્રામજનો વાઘને જોવા માટે સ્થળ પર પહોંચી ગયા છે. વન વિભાગના કર્મચારીઓ અને માધોટાંડા પોલીસ પણ તૈયાર છે. રહેણાંક વિસ્તારોમાં વાઘની વધતી હાજરીને કારણે લોકો ગભરાટમાં છે.