વલસાડઃ તાજેતરમાં વોટ્સેપ હેક થવાની ઘટના અચાનક વધી ગઇ છે. બે દિવસ અગાઉ ડીજીવીસીએલના એક અધિકારીનું વોટ્સએપ હેક થયું હતુ. ત્યારે વોટ્સએપ હેકની નવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અમેરિકામાં રહેતા વલસાડના એક રહીશનું વોટ્સએપ હેક થયું અને તેના નામે વલસાડમાં રહેતા તેના મિત્ર પાસેથી રૂ. 95 હજારની માંગણી થઇ હતી. તેણે રૂ. 95 હજાર ટ્રાન્સફર કર્યા પછી તેને છેતરાયાની જાણ થઇ હતી. જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાણભેદુ હોય એવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.
- ભારતનો નહીં પરંતુ અમેરિકાનું વોટ્સેપ હેક કરી છેતરપીંડી
- પારનેરા ગામના યુવકના અમેરિકાના મિત્રનું વોટ્સેપ હેક થયું અને રૂ. 95 હજારની ઠગાઇ થઇ
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના પારનેરા ગામમાં રહેતા કુંતલ ઠાકોર પટેલના મોબાઇલ પર તેના અમેરિકામાં રહેતા મિત્ર નિરંજન પટેલ (મૂળ રહે. રોલા ડુંગરી, વલસાડ)ના મોબાઇલ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, તેણે વલસાડમાં તેના કોઇ મિત્રને રૂ. 95 હજાર આપવાના છે. તો તેણે એક્સિસ બેંકના એક એકાઉન્ટમાં આ પૈસા જમા કરાવવા માટેની વિનંતી કરી હતી. ત્યારે મિત્ર ભાવે વિચાર્યા વિના કુંતલે આ રકમ જમા કરાવી દીધી હતી.
જોકે, પૈસા ભર્યા બાદ નિરંજનની બેનનો ફોન આવ્યો અને તેણીએ જણાવ્યું કે, તેના ભાઇના મોબાઇલ પરથી કોઇ મેસેજ આવે તો તેનો રિપ્લાય ન કરતા તેનું વોટ્સેપ હેક થઇ ગયું છે. ત્યારે આ ઘટનામાં પોતે છેતરાયા હોવાની અનુભૂતિ થતાં તેણે આ સંદર્ભે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વોટ્સએપ હેકથી બચવા આટલું કરો
અજાણી વ્યક્તિ કોઇ પણ ફાઇલ મોકલે તો તેની પાછળ .APK હોય તો તે ક્યારેય પણ મોબાઇલમાં ડાઉનલોડ કરવી નહી. આપણા નંબર પર બીજો કોઇ વ્યક્તિ વોટ્સેપ ડાઉનલોડ કરે તો તેના માટે આપણા નંબર પર ઓટીપીનો મેસેજ આવે છે. આ મેસેજ ક્યારેય પણ કોઇની સાથે શેર કરવો નહી. તેમજ પોતાનો મોબાઇલ કોઇ પણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ માંગે તો તેને આપવો નહી. તે મોબાઇલમાં આવેલો ઓટીપી નંબર જાણીને વોટ્સેપ હેક કરી શકે છે.
અજાણી વેબસાઇટ સર્ચ કરો ત્યારે કોઇ ફાઇલ ડાઉનલોડ કરવી નહી
અનેક વેબસાઇટ ખાસ કરીને અશ્લિલ વેબસાઇટ પર એક પછી એક મેસેજ આવતા હોય છે. આવા મેસેજ પર ઓકે કરે તો કોઇ APK ફાઇલ ડાઉનલોડ થઇ જતી હોય છે. આ એપ્લિકેશનની ફાઇલ છે. જે તમારા મોબાઇલને હેક કરી શકે છે. જેના થકી તમારા મોબાઇલમાં આવતા મેસેેજમાંથી ઓટીપી જાણી લઇ તમારૂં બેંક એકાઉન્ટથી ખાલી કરી શકે છે. તેમજ તમારું વોટ્સેપ હેક કરી શકે છે.