સુરત: શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે સ્ટિરોઇડથી શરીરમાં ન્યૂટ્રોફિલ ડિસ્ફંકશન થવાને લીધે મ્યુકર માઇકોસિસ (Mucormycosis)ના કેસ વધી રહ્યા છે. જેને પહોંચવી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં અલગ અલગ પાંચ ડિપાર્ટમેન્ટના 10 તબીબોની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ તબીબો દ્વારા આગામી દિવસોમાં નવી સિવિલ હોસ્પિ.માં મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોરોનાના સંક્રમિત દર્દીઓ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓછા આવી રહ્યા છે. પરંતુ અગાઉથી જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમનામાં સાઇકોટાઇમ સ્ટ્રોમ (Psycho time Storm)નું જોખમ ઉભું થાય છે. જેથી તબીબો દ્વારા તેની સામે સ્ટિરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સંક્રમિત દર્દીઓને સ્ટિરોઇડ આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી મ્યુકર માઈકોસિસનું ઇન્ફેક્શન ફેલાય છે. સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકર માઇકોસિસના એકથી બે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. પરંતુ આ રોગ વધવાની શક્યતા સિવિલના તબીબો દ્વારા દર્શાવવામાં આવી છે. જેને પહોંચી વળવા માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. સિવિલમાં આ કેસના વધુ દર્દીઓ આવી પહોંચે તે માટે 10 તબીબોની ટીમ તૈયાર કરાઇ છે. આ ટીમ આગામી દિવસોમાં મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર શરૂ કરશે.
આ પાંચ ડિપાર્ટમેન્ટના 10 તબીબો મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર કરશે
નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન, ન્યુરો સર્જરી, ઇએનટી, એનેસ્થેસિયા અને આંખ વિભાગના 10 તબીબો મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર કરશે.