પૂણેઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ મળ્યો છે. બીજી ઇનિંગમાં જ્યારે ભારત 359 રનનો પીછો કરવા ઉતર્યો ત્યારે તેની શરૂઆત મજબૂત રહી, પરંતુ રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને મિશેલ સેન્ટનરની બોલિંગ પર ફરી એકવાર સસ્તામાં આઉટ થયો. તે સમયે ભારતીય ટીમનો સ્કોર 34 રન હતો.
જોકે, કેપ્ટન રોહિત શર્માના આઉટ થયાનું કોઈ દબાણ ભારતીય બેટ્સમેનો પર દેખાયું નહોતું. યશસ્વી જ્યસ્વાલે પોતાના અંદાજમાં તાબડતોબ ઝડપી બેટિંગ કરી પોતાની અડધી સદી પુરી કરી હતી. ભારતની બીજી વિકેટ 96ના સ્કોર પર શુભમન ગિલના સ્વરૂપમાં પડી હતી. સેન્ટનરની બોલિંગમાં તે સ્લીપમાં કેચ આપી બેઠો હતો. ગિલે 23 રન બનાવ્યા હતા.
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 156ના સ્કોર પર સમેટાઈ ગયો હતો. આ પછી ન્યુઝીલેન્ડનો બીજો દાવ 255 રનમાં સમેટાઈ ગયો હતો.
ત્રીજા દિવસે જાડેજા-અશ્વિન ત્રાટક્યા
ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડે 198/5 સાથે તેની ઇનિંગની શરૂઆત કરી હતી પરંતુ જાડેજાએ ટોમ બ્લંડેલ (41)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે સમયે કિવી ટીમનો સ્કોર 231/6 હતો. થોડા સમય પછી મિશેલ સેન્ટનર (4) જાડેજાના બોલ પર લાંબો શોટ મારવાના પ્રયાસમાં જસપ્રિત બુમરાહને લોંગ ઓન પર કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ ટિમ સાઉથી અને એજાઝ પટેલ પણ ટૂંકા અંતરે અશ્વિન અને જાડેજાનો શિકાર બન્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમની છેલ્લી વિકેટ વિલિયમ ઓ’રર્કની હતી જે રન આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સ (48) અણનમ પરત ફર્યો હતો.
સુંદરે બીજી ઈનિંગમાં 4 વિકેટ લીધી
ન્યુઝીલેન્ડનો બીજો દાવ 255 રન પર સમાપ્ત થયો હતો. ન્યૂઝીલેન્ડ ટીમ માટે ટોમ લાથમે બીજી ઇનિંગમાં સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ ભારત માટે સૌથી સફળ બોલર વોશિંગ્ટન સુંદર હતો. સુંદરે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને 3 અને અશ્વિનને 2 વિકેટ મળી હતી.