Business

જ્યારે લેબગ્રોન ડાયમંડનો સુરતનો એક ઉત્પાદક 98 ટકા ઓછા ભાવે હીરો વેચવા નીકળ્યો

સુરત: ખૂબ ઓછાં વર્ષોમાં સિન્થેટિક (Synthetic) કે લેબગ્રોન (Lab Grown) રફ ડાયમંડના (Diamond) ઉત્પાદનમાં ભારતની (India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં અમેરિકા (America) અને યુરોપની (Europe) મંદીમાં ચીને લેબગ્રોન રફ અને પોલિશ્ડ ડાયમંડના ભાવો સતત ઘટાડતાં સુરત (Surat) અને મુંબઈમાં (Mumbai) લેબગ્રોનનો વેપાર ઠપ થઈ ગયો છે. ચેમ્બરના (SGCCI) સ્પાર્કલ (Sparkle) એક્ઝિબિશન દરમિયાન હીરા ઉદ્યોગના સંગઠનના એક સમયે અગ્રણી હોદ્દેદાર રહેલા અનુભવી હીરા ઉદ્યોગકારે જે કિસ્સો વર્ણવ્યો એ ચોંકાવનારો હતો.

  • ઓવર પ્રોડક્શન અને યુરોપની ડિમાન્ડ નહીં નીકળતાં વર્કિંગ કેપિટલ માટે 60,000 રૂપિયે કેરેટની કિંમતવાળા લેબગ્રોન ડાયમંડ 3000થી 5000 રૂપિયામાં વેચવા કારખાનેદારો મજબૂર બન્યા

લેબગ્રોન ડાયમંડનો ઉત્પાદક હીરાનો લોટ લઈ મળ્યો હતો. એણે વર્કિંગ કેપિટલની જરૂર હોવાનું જણાવી તૈયાર લેબગ્રોન ડાયમંડ રેપનેટની (RapeNet) બજાર કિંમત કરતાં 98 % ડાઉન કિંમતે ખરીદી લેવા વિનંતી કરતાં હીરા ઉદ્યોગકારે 99 ટકામાં આપે તો વિચારું એવી રમૂજ કરી લેબગ્રોન ઉત્પાદકને આવું નહીં કરવા અને માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરે ત્યાં સુધી રાહ જોવા કહ્યું હતું. એક કેરેટ નેચરલ અસલ હીરાનો ભાવ 3થી 6 લાખ રૂપિયા છે ત્યાં લેબગ્રોન ડાયમંડનો ભાવ એક કેરેટનો 50,000થી 60,000 રૂપિયા ચાલી રહ્યો છે.છતાં કોઈ લેવાલ નથી. આવી સ્થિતિમાં ગરજાવ ઉત્પાદકો વર્કિંગ કેપિટલ ઊભી કરવા પ્રોડક્શન કોસ્ટથી પણ ખૂબ નીચા ભાવે ખોટ ખાઈને લેબગ્રોન વેચી રહ્યા છે.

જાણકારો કહે છે કે, ચીને ભાવો તોડતાં માર્કેટનો વિશ્વાસ તૂટી ગયો છે. સુરત અને મુંબઈમાં લેબગ્રોન રફના ઉત્પાદન માટે લેબ (ભટ્ટીઓ)નો રાફડો ફાટ્યો છે. એના લીધે માલનું ઓવર પ્રોડક્શન થવા સાથે ખૂબ ભરાવો થયો છે. બીજી તરફ અમેરિકા અને યુરોપની ડિમાન્ડ નહીં નીકળતાં વર્કિંગ કેપિટલ માટે 60,000 રૂપિયે કેરેટની કિંમતવાળા લેબગ્રોન ડાયમંડ 3000થી 5000 રૂપિયામાં વેચવા કારખાનેદારો મજબૂર બન્યા છે. ચીનના ઉત્પાદકોએ લેબગ્રોન રફના ભાવ તોડવાનો ચક્રવ્યૂહ રચતાં સુરત અને મુંબઈમાં લેબગ્રોન રફના ભાવો ક્વોલિટી વાઇઝ ખૂબ તૂટી જતાં બજારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો છે.

ગયા સપ્તાહે સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચાઈનીઝ લેબગ્રોન રફના ભાવ તૂટતાં એની અસરથી સુરતમાં લેબગ્રોન રફની જુદી જુદી ક્વોલિટીમાં ભાવો 35 %થી 50 % તૂટી ગયા છે. પણ એમાં ગભરાવા જેવું કંઈ નથી. સુરતમાં લેબગ્રોન રફનું ઓવર પ્રોડક્શન હતું અને રફના ભાવ પણ વધુ હતા. અમેરિકા અને યુરોપમાં સ્થિતિ સુધરશે ત્યારે લેબગ્રોનનું માર્કેટ સ્ટેબલ થશે. ઘટેલા ભાવે જે રોકાણકારો કે જ્વેલર્સ (Jewelers) ખરીદી કરશે એને લોન્ગ ટર્મ ગેઇન થશે. કોરોનાનાં બે વર્ષ પછી અમેરિકા અને યુરોપના દેશોમાં ડિમાન્ડ નીકળ્યા પછી જ ભાવો ઊંચકાયા હતા.

ઉદ્યોગના જાણકારો કહે છે કે, અત્યારે વિશ્વના બજારમાં ચાલી રહેલી આર્થિક મંદીને લઈ લેબગ્રોન ડાયમંડની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. કુદરતી હીરાઓની માંગ નથી, ત્યારે લેબગ્રોન ડાયમંડની માંગ ક્યાંથી નીકળે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સુરત અને મુંબઇ હબ બન્યા છે. સુરતમાં 10 મોટી કંપની અને 400 જેટલી નાની-મધ્યમ હરોળની કંપનીઓ રફનું ઉત્પાદન કરી રહી છે. વિતેલાં વર્ષોમાં એક્સપોર્ટ પણ રોકેટ ગતિથી વધ્યો હતો. માંગ ઓછી હોવા છતાં મશીનરી થકી રફ હીરાનું ઉત્પાદન તો કરવું જ પડે. જો ઉત્પાદન બંધ કરવામાં આવે તો મશીનરી અને મેન પાવર પાછળનો ખર્ચ પણ વધ્યો હતો. સુરત-મુંબઈની કંપનીઓએ કરોડોની મશીનરી વિકસાવી છે. ગયા મહિને લેબગ્રોન ડાયમંડની આયાત 45 ટકા ઘટી હતી. નેચરલ હીરાની આયાત 25 ટકા ઘટી હતી. જ્યાં સુધી કુદરતી હીરાઓની માંગ નહીં વધે ત્યાં સુધી લેબગ્રોન ડાયમંડની માગ નહીં વધે. ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડનો ભરાવો થઈ ગયો છે. નાના ઉત્પાદકો તથા ટ્રેડર્સો નુકસાન વેઠી રહ્યા છે.

લેબગ્રોન ડાયમંડની સક્સેસ સ્ટોરીને બ્રેક લાગી, છેલ્લાં 5 વર્ષમાં 600 % ગ્રોથ નોંધાયો હતો
લેબગ્રોન ડાયમંડની 5 વર્ષથી ચાલુ થયેલી સક્સેસ સ્ટોરીને બ્રેક લાગી છે. હીરા ઉદ્યોગના મોટા સમૂહો પણ એના બલ્ક ઉત્પાદનમાં પડી તેજીમાં હાથ ધોઈ ચૂક્યા છે. છેલ્લાં 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં 600 % જેટલો ગ્રોથ નોંધાયો છે. વર્ષ 2017-18માં જ્યાં 1404 કરોડનો એક્સપોર્ટ હતો. એ 2021-22માં 8503 કરોડ પર પહોંચ્યો હતો. સુરતમાં 2500 આધુનિક મશીનરી થકી લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. સુરતમાં 10 મોટી ડાયમંડ કંપની અને MSME કેટેગરીનાં 300 યુનિટ સરેરાશ વર્ષે 2 લાખ કેરેટ લેબગ્રોનનું ઉત્પાદન કરી રહ્યાં છે.

Most Popular

To Top