સુરત: સુરત (Surat) શહેરના મોટા વરાછા ખાતે આવેલા લજામણી ચોક પાસે બુધવારે બપોરે એક શેર દલાલનું (ShareBroker) ચાર અજાણ્યા અપહરણ (Kidnaping) કરીને લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ઉત્રાણ પોલીસની ટીમ દોડતી થઈ છે. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જાહેરમાં અપહરણકારો ટીંગાટોળી કરી શેરદલાલને કારમાં ઉઠાવી લઈ જાય છે અને લોકો જોતા રહે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતાં શક્તિસિંહ ધડુક શેર દલાલ છે. શક્તિસિંહ અમદાવાદથી કોઈક કામ માટે સુરત આવ્યા હતા. દરમિયાન આજે બપોરે મોટા વરાછા લજામણી ચોક પાસે એક પાનના ગલ્લા પર ઉભા હતા. ત્યારે ચાર અજાણ્યા ત્યાં આવીને અપહરણ કરીને લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉતરાણ પોલીસ દોડતી થઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શેર બ્રોકરના અપહરણ પાછળ રૂપિયાની લેવડદેવડ હોવાનું હાલ લાગી રહ્યું છે. જો કે પોલીસે તેના કોલ ડીટેલ્સ સહિતની માહિતી એકત્ર કરવા સાથે અપહરણકારો તેને કઈ દિશામાં લઈ ગયા છે તે અંગે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે શક્તિસિંહના સંબંધી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં.
વેપારી સિગારેટ પીતા હતા ત્યારે ત્રણ ઈસમો કારમાં ઉઠાવી ગયા
ઘટના મોટા વરાછા લજામણી ચોક વૈભવ હોટેલની સામે કેડી પાનના ગલ્લા નજીક બની હતી. અમદાવાદના વેપારી શક્તિ ધડુક બુધવારે બપોરે સિગારેટ પીતા હતા. તે દરમિયાન કારમાં આવેલા 3 ઈસમો કારમાંથી ઉતરી વેપારી પર તૂટી પડ્યા હતા.
જાહેરમાં વેપારીને માર મારી ઈજાઓ કરી કારમાં બેસાડી ઉપાડી ગયા હતા. ઘટનાના એક કલાક પછી ઉત્રાણ પોલીસને વેપારીના અપહરણની ખબર પડી હતી. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આસપાસના સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી દીધી હતી.
મોડીરાત્રે અપહરણકારોને પકડી સુરત પોલીસે શેરદલાલને મુક્ત કરાવ્યા
મોડીરાત્રે વેપારીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છોડાવી આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે આ વાત ને ઉત્રાણ પોલીસે સમર્થન આપ્યું ન હતું. મોટા વરાછાની વૈભવ હોટેલમાંથી વેપારીએ 23મી ચેક આઉટ કરી અન્ય જગ્યાએ સુરતમાં રહેતો હતો અને મામાના દીકરા સાથે વાત કરતો હતો. ઘટના સમયે 100થી વધુ લોકોની ત્યાં હાજરી હોવા છતાં એકપણ જણાએ વેપારીને અપહરણના ચુંગલમાંથી છોડાવવા પ્રયાસ કે 100 નંબર પોલીસ કંટ્રોલને કોલ કરવાની જવાબદારી સમજી ન હતી.
કારના નંબરની મદદથી પોલીસે તપાસ આગળ ધપાવી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારનો નંબર મળી આવતા તપાસનો દોર આગળ વધ્યો હતો કાર માલિકને શોધવા પોલીસની એક ટીમ કામરેજ ગઈ હતી. જ્યા એક બાવાજી જે પાનનો ગલ્લો ચલાવે છે જેના નામે કાર હતી. બાવાજીએ કાર કામરેજ એક મુસ્લિમને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસ મુસ્લિમ યુવકને લઈ આવી હતી. મુસ્લિમ યુવકે કાર ફારૂક નામના ઈસમને વેચી હતી. પોલીસ ફારૂકને શોધવા ઘરે ગઈ તો તે મળી આવ્યો ન હતો.
ફારૂક અને ફીરોઝ બન્ને ગાયબ છે અને મોબાઇલ બંધ છે. જેથી બન્ને હાલ પોલીસના શંકાના દાયરામાં છે. બન્ને ગાડી લે-વેચનો ધંધો કરે છે. પોલીસને શંકા છે કે વેપારી શક્તિ ધડુક પહેલા ગાડી લે-વેચનો ધંધો કરતો હતો જેથી તે ધંધામાં અપહરણ કર્યું હોવાની આશંકા છે. હાલ તપાસ ચાલી રહી છે.