વિનાયક દામોદર સાવરકરને ‘વીર’ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે એનો જો કોઈ હિન્દુત્વવાદી પ્રમાણ સાથે ખુલાસો કરશે તો તે સત્ય ઉપર ઉપકાર કરશે. મારી પાસે મરાઠી સાહિત્યકાર આચાર્ય પ્રહ્લાદ કેશવ અત્રેની આત્મકથાનું પ્રમાણ છે, જેમાં તેમણે કહ્યું છે કે સાવરકર મને (અત્રેને) ‘આચાર્ય અત્રે’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપે અને હું (અત્રે) સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપું એવી અમારી વચ્ચે સમજૂતી થઈ હતી. આમ ‘વીર સાવરકર’ની સાવરકરે પોતે સ્થાપના કરાવી છે પણ કઈ બહાદુરી માટે? આ લાખ રૂપિયાનો સવાલ તો અનુત્તરિત જ રહે છે. સમજૂતી હતી એટલે અત્રેએ આ સવાલ સાવરકરને પૂછ્યો નહોતો. કોઈ એક, માત્ર એક બહાદુરીનું કૃત્ય કોઈ હિન્દુત્વવાદી શોધી આપે.
બાકી ઉપસંહાર કરતાં એટલું જ કહેવાનું કે તેમનાં હિન્દુત્વવાદી ચરિત્રકારોનાં લખાણો, તેમનાં સમકાલીનોનાં લખાણો, સ્વતંત્ર વસ્તુનિષ્ઠ અભ્યાસીઓનાં લખાણો, મહત્ત્વનાં સરકારી દસ્તાવેજો અને સૌથી વધુ તો તેમનાં પોતાનાં લખાણો આમ કહે છે: ગાંધીજી જ્યારે હોંશેહોંશે “લોંગ લીવ ધ કિંગ”નું ગાન ગાતા હતા ત્યારે ૧૮ વરસની વયે સાવરકરે નાસિકમાં ધગધગતા ક્રાંતિકારીઓની ફોજ પેદા કરી હતી, જે આઝાદી માટે જાન ન્યોછાવર કરવા આતુર હતા. દેશ માટે જીવ આપવાની યુવાનોની તત્પરતા જોઇને સમાજડાહ્યાઓ સંયમ જાળવવાની ઠાવકી સલાહ આપતા હતા અને આપ્તજનો બલિદાની યુવકોને બાથમાં લઈને રડતા હતા. પણ? પણ સાવરકર સાહેબ પોતે તો તેમણે પોતે તૈયાર કરેલા યુવકોને ભગવાન ભરોસે છોડીને પહેલાં પૂના અને પછી વિલાયત ભણવા જતા રહ્યા હતા.
મદનલાલ ઢીંગરાને પિસ્તોલ આપતાં કહ્યું હતું કે “આ વખતે જો નિષ્ફળ નીવડે તો મને તારું મોઢું નહીં બતાવતો.” સાવરકરે આવો દાવો કરીને ઢીંગરાની બહાદુરીનું શ્રેય પોતે લીધું હતું. પણ એ શ્રેય ક્યારે લીધું હતું? દેશને આઝાદી મળી એ પછી પણ નહીં, છેક તેમના મૃત્યુ પછી. સાવરકર તેમના ભક્ત ચરિત્રકારને કહીને ગયા હતા કે તેમના મૃત્યુ પછી આમ લખવામાં આવે. (ધનંજય કીર) જો શ્રેયનો આ દાવો સાચો હોય તો આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવું એ બુઝદિલી કહેવાય અને જો ખોટો હોય તો ઢીંગરા સાથે અન્યાય કહેવાય.
લંડનની જેમ જ મુંબઈની અદાલતમાં સાવરકરે અનંત ક્ન્હેરે અને બીજા ક્રાંતિકારીઓ સામે દાવ ઉલ્ટાવ્યો હતો. (સરકારી દસ્તાવેજો અને સાવરકરના સમકાલીન હિંદુવાદી નેતા બેરિસ્ટર જયકરની આત્મકથા) પચાસ વરસની સજા થઈ અને આંદામાન મોકલવામાં આવ્યા એ પછી તેમણે માફી માગવાનું શરૂ કર્યું હતું. સરકારને દયાના સાગર સમાન માઈબાપ અને પોતાને માર્ગ ભૂલેલા સંતાન તરીકે ઓળખાવ્યા હતા. જેલમાં સાવરકર જેલરની મીઠી દૃષ્ટિ મેળવવાનો પ્રયાસ કરતા હતા એટલું જ નહીં, પોતાના હક માટે લડતા કેદીઓ સત્તાવાળાઓ સામે ન લડે એ માટે સમજાવતા હતા. જ્યારે તેમની સમજાવટ કામ નહોતી કરતી અને કેદીઓ મરણાંત ઉપવાસ કે સામુહિક પ્રતિકાર કરતા હતા ત્યારે સાવરકર કોઈને કોઈ બહાનું કાઢીને તેનાથી દૂર રહેતા હતા. (હવાલો તેઓ પોતે. સાવરકર સમગ્ર વાંગ્મય)
જેલમાંથી છૂટવાની છટપટાહટ એટલી બધી હતી કે તેઓ પોતાના નાના ભાઈને પત્રો લખીલખીને માર્ગદર્શન આપતા કે તેણે પોતાના ભાઈઓને છોડાવવા શું કરવું જોઈએ. કોને મળવું જોઈએ, કયા રાજકીય નેતા પાસે નિવેદન કરાવવું જોઈએ, કોની પાસે ભલામણપત્ર લખાવવો જોઈએ, અખબારોમાં કોની પાસે લખાણ લખાવવું જોઈએ, કોંગ્રેસ અને હિંદુ મહાસભામાં કોની પાસે ઠરાવ રજૂ કરાવવા જોઈએ અને પ્રતિનિધિગૃહોમાં કોની પાસે પ્રશ્ન પુછાવવા જોઈએ. જબરદસ્ત લોબિંગ તેઓ જેલમાં રહીને કરાવતા હતા. (હવાલો તેઓ પોતે. સાવરકર સમગ્ર વાંગ્મય)
૧૯૭૫ માં ભારત સરકારે (કોંગ્રેસની સરકાર અને મુસ્લિમ શિક્ષણપ્રધાન) ‘Penal Settlements in Andaman’ નામે એક દસ્તાવેજીકરણ કરાવ્યું હતું અને તેનું કામ રાષ્ટ્રવાદી ઇતિહાસકાર (ખરું પૂછો તો હિંદુવાદી ઇતિહાસકાર રમેશચન્દ્ર મઝુમદારને સોંપ્યું હતું. આર. સી. મઝુમદારે સાવરકરને ઉજળા પ્રકાશમાં મૂકવાનો અથાક પ્રયત્ન કર્યો હતો, પણ એ પછી પણ તેઓ હારી ગયા હતા, કારણ કે દસ્તાવેજો સાવરકરની કાયરતા સાબિત કરતા હતા. આંદામાનની જેલમાં એકલા સાવરકર કાળા પાણીની સજા નહોતા ભોગવતા. બીજા અનેક કેદીઓ હતા, જેમણે સાવરકરની જેમ નહોતી માફી માગી કે નહોતું કોઈ લોબિંગ કર્યું. આમ ઈતિહાસકાર સમવિચારી અને સહાનુભૂતિ ધરાવનારો હોવા છતાં હકીકતો છૂપાવી નહોતો શક્યો, ઉલટું હકીકતો એક જગ્યાએ એકઠી થઈ ગઈ.
ફાયદા કરતાં નુકસાન થયું. વધારે પડતી ચાલાકી અને વધારે પડતા પ્રયત્નોનું આ પરિણામ હતું. છ વખત માફી માગ્યા પછી અને અંગ્રેજોની તેમ જ અંગ્રેજ જેલરની કૃપાદૃષ્ટિ પામવા અથાક પ્રયાસ કર્યા પછી ૧૯૨૧ માં સાવરકરબંધુઓને આંદામાનથી ભારતની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૯૨૪ માં તેમને છોડવામાં આવ્યા હતા, પણ છૂટવા માટેની કેટલીક શરતો હતી. એક શરત એ હતી કે તેઓ રત્નાગિરિની બહાર ક્યાંય નહીં જાય અને બીજી તેઓ બ્રિટીશ સરકારની વિરુદ્ધ કે બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ નહીં કરે. સાવરકરે શરતો સ્વીકારી લીધી હતી. (સરકારી દસ્તાવેજો)
ગજબ તો હવે આવે છે. ‘વીર’ સાવરકરે અર્થાત્ માર્ગ ભૂલેલા સંતાને દયાળુ માયબાપ જેવી સરકારને આ મુજબનું સર્ટિફિકેટ આપ્યું હતું. દયાળુ માઈબાપ સરકારે મને કોઈ અન્યાય કર્યો નથી, મારી સામે ન્યાયની અદાલતમાં ન્યાયી ખટલો ચાલ્યો હતો અને મને જે સજા કરવામાં આવી એમાં કોઈ અન્યાય કરવામાં આવ્યો નહોતો. હું દિલથી હિંસાનો માર્ગ ત્યજું છું અને કાયદાના તેમ જ બંધારણીય માર્ગને અનુસરવાના દરેક શક્ય પ્રયાસ કરવાની ખાતરી આપું છું. જો મને ભવિષ્યમાં તક આપવામાં આવશે તો બંધારણીય સુધારાઓ કરવાના સરકારના પ્રયાસમાં મદદરૂપ થવા તૈયાર છું. (સરકારીન દસ્તાવેજ)
મર્દાનગીની યશોગાથા અહીં પૂરી થતી નથી. ૧૯૨૫ માં વાયવ્ય સરહદ પ્રાંતમાં કોહાટમાં કોમી હુલ્લડો થયાં. રત્નાગિરિમાં રહેતા સાવરકરે ‘મરાઠા’ નામના અખબારમાં મુસલમાનોની ટીકા કરતો એક લેખ લખ્યો. એ લેખ સામે સરકારે વાંધો લીધો અને ધમકી આપી કે જો આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો પાછા જેલમાં મોકલવામાં આવશે. કહેવાની જરૂરત નથી કે સાવરકરે ઉપરાઉપરી બે પત્રો લખીને ભલે ધમકાવતા પણ કૃપાળુ માઈબાપની માફી માગી લીધી અને આવું ફરી વાર નહીં કરવાની ખાતરી આપી. (સરકારી દસ્તાવેજ)
ખમો, મર્દાનગીની યશોગાથામાં એક કલગી હજુ બાકી છે. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યામાં સાવરકર એક આરોપી હતા. તેમણે બાવીસ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ મુંબઈના પોલીસ કમિશનરને આ મુજબ બાંયધરી આપી હતી: “હું ૬૫ વરસનો છું અને તબિયત સારી રહેતી નથી. ગયા વરસે ૧૫ મી ઓગસ્ટે મારા અનુયાયીઓના અણગમા છતાં મેં મારા ઘરની છત ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.” અને પછી લખે છે. સરકાર જો મને ગાંધીજીના ખૂનના આરોપમાંથી છોડે તો હું તમામ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ છોડીને રાજકીય સન્યાસ લેવા તૈયાર છું. પત્રના આગળના ભાગમાં કોમી એકતાની, ભારતના નાગરિક તરીકેના સમાન દરજ્જાની અનિવાર્યતાની પણ વાત કરી છે. (સરકારી દસ્તાવેજ) જો ગાંધીજીની હત્યામાં તેમનો કોઈ હાથ નહોતો તો આવી બાંયધરી આપવાની જરૂર ક્યાં પડી? આ પ્રશ્નનો ઉત્તર કપૂર કમિશને આપી દીધો છે, જે અહીં ચર્ચાનો વિષય નથી.
હવે બોલો,
વીરને શોભે કે વીરનું બિરુદ આપવું પડે એવું કયું કામ તેમણે કર્યું હતું? તેમની માફીઓ અને બાંયધરીઓની વાત જવા દો, ૧૯૦૦ થી ૧૯૧૦ સુધીના જેલ પહેલાંના એક દશકમાં અને ૧૯૩૭ માં તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા એ પછી આઝાદી મળી ત્યાં સુધીના એક દશકમાં તેમણે દેશને આઝાદી અપાવવા સ્વયં શું કર્યું? એક પ્રસંગ કે દાખલો બતાવો, જેમાં તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હોય કે આઝાદી માટેના અંદોલનનું નેતૃત્વ કર્યું હોય. એક નાનકડો પ્રસંગ પણ કોઈ હિન્દુત્વવાદી બતાવશે તો તેને ઘણાં તરીકે સ્વીકારી લેશું. ૧૯૧૦ થી લઈને ૧૯૪૭ સુધી તેમણે રાજકીય પ્રશ્ને અંગ્રેજોની આકરી ટીકા કરી હોય અને ઉઘાડો વિરોધ કર્યો હોય એવું એક ઉદાહરણ બતાવો. અહીં જે કહેવામાં આવ્યું છે એ કોઈ નકારી ન શકે એવું ટકોરાબંધ સત્ય છે. તો પછી ‘વીર સાવરકર’ શેનું પરિણામ છે? અત્રે કહે છે એમ સમજૂતીઓનું પરિણામ છે કે પછી કાંઈક બીજું છે. આના ખુલાસા સાથે આવતે અઠવાડિયે આ શ્રેણીનો ઉપસંહાર કરવામાં આવશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.