આણંદ તા.31
આણંદ નગરપાલિકાની બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વધુ એક વખત સેંકડોમાં પુરી થઇ ગઈ હતી. જોકે, આ વખતે કેટલાક મહત્વની બાબતો પર નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જેમાં કચરાના નિકાલને લઇ લાંબા સમયથી ચાલતા આયોજનમાં આગામી એક મહિનામાં મશીન કાર્યરત થશે. તેવી શક્યતા જોવા મળે છે. આ મશીન કાર્યરત થતાં શહેરમાંથી દરરોજ એક સો મેટ્રીક ટન ઘન કચરાના નિકાલની કામગીરી શરૂ થશે.
આણંદ પાલિકાની બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં હતાં. આ સામાન્ય સભા શરૂ થતાં પહેલા નવનિયુક્ત ચીફ ઓફિસર મહેક જૈનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રમુખે સભાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે વિપક્ષે ઠરાવ નં.6માં લારી, ગલ્લા અને પાથરણાં વિગેરે દુર કરી ફેરિયાઓને સ્ટ્રીટ વેન્ડીંગ એક્ટ મુજબ પ્રાયોગિક ધોરણે જગ્યા ફાળવવાના ઠરાવમાં નક્કી કરેલા ભાડાનો વિરોધ કર્યો હતો. જોકે, પ્રમુખે આ ઠરાવ જ પેન્ડીંગ કરી દેતાં ચકમક ઝરી હતી. પરંતુ આ ચર્ચા આગળ વધે તે પહેલા જ મંજુર… મંજુર…ની બુમો સાથે સભા આટોપી લેવામાં આવી હતી.
અલબત્ત, આ સામાન્ય સભામાં મહત્વની બાબત કચરાના નિકાલને લઇ લેવાયેલો નિર્ણય છે. આણંદ શહેરમાં દરરોજ 100 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. આ કચરોના લાંભવેલ સાઇટ પર નાંખવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે ફ્રેશ વેસ્ટ પ્રોસેસીંગ મશીનરીનો પ્લાન્ટ ઇન્સ્ટોલની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણતાના આરે છે અને એકાદ માસમાં તે કાર્યરત થશે. આ મશીનની ક્ષમતા 200 મેટ્રીક ટન દૈનિક ઘન કચરાના નિકાલની છે. આથી, પાલિકાએ શહેર ઉપરાંત આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોનો કચરો લેવાનું નિર્ણય કરાયો છે. જોકે, તેના માટે પર મેટ્રીક ટન રૂ.500 ચાર્જ વસુલવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી સબયાર્ડમાં એકથી બે ટ્રેક્ટર જેટલો શાકભાજીનો કચરો થતો હોય તેના નિકાલ માટે પણ ફ્રેશ વેસ્ટ પ્રોસેસીંગ મશીનરીનો પ્લાન્ટનો ઉપયોગ કરાશે. જેના માટે એપીએમસી પાસેથી પણ ચાર્જ વસુલવામાં આવશે. આમ, શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે કેટલી હદ સુધી અમલ થાય છે ? તે સમય જ બતાવશે.