નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા લાગ્યો. નેશનલ ગેમની શરૂઆત થઇ. મહારાષ્ટ્ર સ્ટેટ નંબર 3 પર હતું અને 1 નંબર પર આવવા માટે તેમને 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલની જરૂર હતી. સાંજે મિટીંગ હતી. પરિસ્થિતિ બધાને ખબર હતી અને જે ખેલાડીઓની ઇવેન્ટ બાકી હતી, તેઓ એકદમ દબાણ હેઠળ હતા કે જો અમે નહિ જીતી શકીએ તો? આ ડર તેમને સતાવતો હતો. માઈન્ડ કોચ તેમના મનની ચિંતા સમજી ગયા હતા.
તેમણે એક ખાસ મિટીંગ બોલાવી અને બધા ખેલાડીઓને એક નાનકડી ફિલ્મ બતાવી, જેમાં એક પર્વતારોહક મોટો પર્વત ચઢી રહ્યો હતો. નાનકડી ફિલ્મ પૂરી થયા બાદ કોચે કહ્યું, ‘આ પર્વતારોહક જે પર્વત સર કરી ગયો, તેવો જ ઉંચો પર્વત તમારે બધાએ 2 દિવસમાં સર કરવાનો છે. મને ખબર છે કે તમે બધા બહુ જ ચિંતા, દબાણ અને ડર અનુભવો છો અને આ ખાસ મિટીંગ તમારા માટે જ રાખવામાં આવી છે.’ દરેક ખેલાડી પાસે જઈને માઈન્ડ કોચે ખેલાડીને તેની ખૂબી અને ખાસિયત અને તેમના રેકોર્ડ લખેલા કાર્ડ આપ્યા અને કહ્યું, ‘આ કાર્ડ હમણાં જ 3 વાર વાંચી જાવ. પછી આગળ વાત કરું છું.’ આ કાર્ડ બધા ખેલાડીઓએ 3 વાર વાંચ્યા.
પછી કોચે બધા ખેલાડીને બીજા 1 – 1 કાર્ડ આપ્યા. તેની ઉપર તેમને જે રેકોર્ડ તોડવાના છે તે લખ્યા હતા. આ કાર્ડ આપતા કોચ બોલ્યા, ‘આ તમારા બધાનો જુદો જુદો પર્વત છે, જે તમારે સર કરવાનો છે અને જો સામે દેખાતો પર્વત ગમે તેટલો ઉંચો હોય પૂરી હિંમત અને ધગશ સાથે તેને ચઢવાની કોશિશ કરો તો તે ચઢી જ શકાય. તેથી આ ઉંચો પર્વત ક્યારેય તમને રોકી શકવાનો નથી. તમને રોકી શકે છે એક નાની વસ્તુ ….’ ખેલાડીઓએ પૂછ્યું, ‘એટલે?’ કોચ બોલ્યા, ‘તમને પર્વત નહીં અટકાવી શકે, તમને અટકાવી શકે તે નાની વસ્તુ છે – તમારા શુઝમાં રહેલો નાનકડો પથ્થર અને યાદ રાખજો શુઝનો પથ્થર તમારી ઝડપ ઓછી કરી શકે છે. મનનો ડર અને ડગમગતો આત્મવિશ્વાસ તમને જીતથી દુર રાખી શકે છે. એટલે તમારી ખૂબીઓને વાંચીને ફરી યાદ કરી લો અને શૂઝના પથ્થરને દુર કરી મનમાંથી ડરને કાઢી સજ્જ થઇ જાઓ જીતનો પર્વત સર કરવા.’ માઈન્ડ કોચે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.