સુરત: ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને આજે સવારે થોડી રાહત મળી હતી. સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સુરત શહેરના કેટલાંક વિસ્તારોમાં સવારે 8થી 8.30 કલાક દરમિયાન વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લાં કેટલાંય દિવસથી ભારે ગરમી અને બફારાથી અકળામણ અનુભવતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે સવારથી અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પણ પડ્યાં છે. સુરતના પાલ, અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું. વરસાદના લીધે સરથાણા વિસ્તારમાં થોડા સમય પાવરકાપ થયો હતો. જેથી લોકોને બફારા વચ્ચે પરેશાન થવાનો વખત આવ્યો હતો. આ અચાનક થયેલા વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. લોકોને આ અચાનક પરિવર્તન માટે સતર્ક રહેવું જોઈએ.
ગણદેવીમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો
કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેનાથી હવામાનમાં ઠંડકનો અનુભવ થયો હતો. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટા પડ્યા છે, બીજી તરફ નવસારીના શહેરી વિસ્તારોમાં ઉકળાટની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. કેરી સહિતના પાકને આ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે.
ગુજરાતમાં ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી
આજે સવારે ભલે વરસાદી ઝાપટું પડ્યું હોય પરંતુ ચોમાસું શરૂ થવાના કોઈ સંકેત નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. તા. 8 અને 9 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે.
તા. 8મી જૂનથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.